ahemdabadગુજરાત

સેવન્થ ડે સ્કૂલનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો: ડીઇઓની નોટિસને પડકારતા રિટ અરજી દાખલ

અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલ, જ્યાં થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી, તેણે હવે અમદાવાદ શહેરના ડીઇઓ (જિલ્લા શિક્ષણાધિકારી) દ્વારા ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. સ્કૂલે ડીઇઓની આ નોટિસની કાયદેસરતા સામે રિટ અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ટૂંક સમયમાં જસ્ટિસ નિખિલ એસ. કેરીયલની કોર્ટ સમક્ષ થશે. વિદ્યાર્થીની હત્યાના ગંભીર બનાવ બાદ ડીઇઓ રોહિત ચૌધરીએ સ્કૂલને આ નોટિસ જારી કરી હતી. નોટિસમાં સ્કૂલને ધોરણ ૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટેની પરવાનગી, આઇસીએસઇ બોર્ડના જોડાણ પ્રમાણપત્ર, ગુજરાત સરકારના એનઓસી, ફાયર એનઓસી અને શિક્ષકોની લાયકાત સહિત કુલ ૧૬ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. ડીઇઓએ ચેતવણી પણ આપી હતી કે જો સમયમર્યાદામાં પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આરટીઇ એક્ટ હેઠળ એક પાંચ સભ્યોની તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી, જેની કાયદેસરતાને પણ સ્કૂલે પડકારી છે.

આ સમગ્ર મામલો શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલમાં બનેલી એક દુઃખદ ઘટનાને કારણે શરૂ થયો હતો. ધોરણ ૧૦ ના એક વિદ્યાર્થીએ ભૂતકાળના બદલાની ભાવનાથી સ્કૂલના ગેટ બહાર તેના જુનિયર વિદ્યાર્થી નયન સંતાનીની ચપ્પુ મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે વાલીઓએ તાત્કાલિક શાળા બંધ કરવાની માંગણી કરી હતી. આ ઘટનાના પડઘા સ્વરૂપે, વાલી સંગઠનોએ અમ્યુકો કમિશનર અને શહેરના મેયરને અરજી કરીને સ્કૂલની જમીન લીઝ રદ કરવાની પણ માંગ કરી છે, જેનાથી સ્કૂલની મુશ્કેલીઓ વધી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *