યુક્રેનને હવે ભારત પર ભરોસો: યુદ્ધ સમાપ્ત કરવામાં ટ્રમ્પ નહીં, મોદી બનશે મધ્યસ્થી
યુક્રેનના વિદેશમંત્રી આન્દ્રેઈ સિબિહાએ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો છતાં આ યુદ્ધ રોકાયું નથી. યુક્રેનનો ભારત પરનો આ ભરોસો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈર્ષ્યાનું કારણ બની શકે છે, કારણ કે ટ્રમ્પ રશિયાથી ઓઈલ ખરીદવાને મુદ્દે પહેલેથી જ ભારત પર દબાણ લાવી રહ્યા છે.
ભારતનું શાંતિ સ્થાપનાનું સમર્થન
ગુરુવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને યુક્રેનના વિદેશમંત્રી સિબિહાએ ટેલિફોનિક વાતચીત કરી. આ વાતચીત બાદ જયશંકરે કહ્યું કે ભારત આ સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરીને શાંતિ સ્થાપવાનું સમર્થન કરે છે. સિબિહાએ પણ કહ્યું કે તેમણે જયશંકરને યુદ્ધની વર્તમાન સ્થિતિ અને શાંતિ માટેના યુક્રેનના પ્રયાસો વિશે માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “અમે યુદ્ધની પૂર્ણ સમાપ્તિ અને આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકા પર ભરોસો કરીએ છીએ.”
ભારતની રાજદ્વારી ભૂમિકા
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ તાજેતરમાં જ ચીન પ્રવાસ દરમિયાન પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં યુક્રેન સંઘર્ષને કેવી રીતે રોકી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી, જે ભારતના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કદને દર્શાવે છે.