ગાંધીનગર RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ હવે AI દ્વારા: ‘સેટિંગ’ના દિવસો પૂરા.
ગાંધીનગર આરટીઓ (RTO) માં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવશે.
AI સિસ્ટમની કાર્યપદ્ધતિ અને લાભ
હાલમાં ગાંધીનગર RTO માં રોજના ૨૦૦ થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. આ નવી AI સિસ્ટમથી, ટેસ્ટ આપનાર ઉમેદવાર પાસ છે કે નાપાસ, તેનો ડેટા સીધો ‘સારથી’ એપ્લિકેશનમાં ઓનલાઈન અપડેટ થશે. આનાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં ‘સેટિંગ’ થવાની શક્યતાઓ પણ નહિવત્ થઈ જશે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ અયોગ્ય રીતે લાઇસન્સ મેળવતા લોકોને અટકાવવાનો છે, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. સુપ્રીમ કોર્ટનો ૨૦૩૦ સુધીમાં અકસ્માતોની ઘટનામાં ૫૦% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની કડક પ્રક્રિયા આ લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે અને માર્ગ સલામતી સુધારવામાં અસરકારક સાબિત થશે.