પુતિનનું આમંત્રણ ઝેલેન્સકીએ ફગાવ્યું: ‘વાટાઘાટો માટે મોસ્કો નહીં, કિવ આવો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા મોસ્કોમાં વાટાઘાટો માટે આપવામાં આવેલું આમંત્રણ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે, જ્યાં સુધી યુક્રેન પર મિસાઈલ હુમલા ચાલુ છે, ત્યાં સુધી તેઓ પુતિનની રાજધાનીની મુલાકાત નહીં લે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો પુતિન ખરેખર શાંતિ વાટાઘાટો કરવા માંગતા હોય, તો તેમણે કિવ આવવું પડશે.
ઝેલેન્સકીએ આકરા શબ્દોમાં પુતિન પર રાજકીય દાવપેચનો આરોપ લગાવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, પુતિન માત્ર વાતચીતને ટાળવા માટે આવું કરી રહ્યા છે અને અમેરિકા સાથે “રમત રમી રહ્યા છે.” ઝેલેન્સકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ પુતિને ઝેલેન્સકીને મોસ્કોમાં મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પુતિને કહ્યું હતું કે આવી બેઠક ત્યારે જ શક્ય છે જો તેના સકારાત્મક પરિણામો આવે અને જો ઝેલેન્સકી યુક્રેનના બંધારણ મુજબ તે કરી શકે.