ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવર એલર્ટ પર: કલેક્ટર સ્થળ પર દોડી ગયા
ગાંધીનગર જિલ્લામાં આવેલા સંત સરોવરમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા, ડેમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનાથી ૭૯,૫૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણે સંત સરોવર માં પાણીનું સ્તર વધી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
કલેક્ટર સહિતનું તંત્ર એક્શન મોડમાં
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરના જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અને પોતે રૂબરૂ સંત સરોવર ખાતે સ્થળ મુલાકાત પણ લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો અહેવાલ મેળવ્યો અને વધતા જળસ્તરને કારણે કોઈ ગંભીર ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સૂચન કર્યું છે.