ગુજરાતમાં મેઘતાંડવ: સુઈગામમાં ૧૬ ઈંચ વરસાદ, બનાસકાંઠાના અનેક વિસ્તારો જળબંબાકાર
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠાના સુઈગામમાં ૧૬.૧૪ ઈંચ, થરાદમાં ૧૨.૪૮ ઈંચ, ભાભરમાં ૧૨.૯૧ ઈંચ અને વાવમાં ૧૨.૫૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે.
કચ્છના રાપરમાં પણ ૧૨.૪૮ ઈંચ વરસાદ નોંધાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિને જોતા બનાસકાંઠા કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈને ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જ્યારે તાપી, પાટણ, વલસાડ અને અમદાવાદ-ગાંધીનગર જેવા અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો.