ભાદરવી પૂનમનો મહામેળો સફળ: ૪૦ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
શક્તિપીઠ અંબાજીમાં યોજાયેલો ભાદરવી પૂનમનો મહામેળો આજે ભારે વરસાદ વચ્ચે પણ નિવિઘ્ને સંપન્ન થયો છે. સાત દિવસ ચાલેલા આ મહામેળામાં કુલ ૪૦.૪૧ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ નોરતાનું આમંત્રણ પાઠવી મા અંબાના આશીર્વાદ લીધા હતા.
મેળાના અંતિમ દિવસે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, તેમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થા અડગ રહી હતી. વરસાદમાં પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને અન્ય ભક્તોએ દર્શન કરીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું.
સાત દિવસના આ મેળામાં ધાર્મિક આસ્થાની સાથે સાથે આર્થિક યોગદાન પણ નોંધપાત્ર રહ્યું. ભક્તો દ્વારા ૨૩૨.૬૧૦ ગ્રામ સોનાની અને ૫૦૦ ગ્રામ ચાંદીની આવક થઈ હતી. આ ઉપરાંત, ૩૦૭૦ ધજાઓ ચઢાવવામાં આવી અને ૨૩.૨૦ લાખ મોહનથાળ તેમજ ૩૫,૮૧૧ ચિકીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેળાના અંતિમ દિવસે, તેનું સફળતાપૂર્વક આયોજન કરનાર દરેક વિભાગના કર્મચારીઓ અને સેવા કેમ્પના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું.