ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ: કોંગ્રેસનો વિધાનસભા બહાર વિરોધ
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી (૮ સપ્ટેમ્બર) પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે વરસાદના કારણે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો, પરંતુ તેના ધારાસભ્યોએ વિધાનસભા સંકુલની બહાર પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ, જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ત્રણ દિવસના શરતી જામીન મળતાં તેઓ પોલીસ જાપ્તા હેઠળ સત્રમાં હાજર રહેશે.
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો. જો કે, કોંગ્રેસના ધારાસભ્યોએ ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારનો વિરોધ કર્યો હતો. તેઓએ મનરેગામાં ભ્રષ્ટાચારના મુદ્દે બચુ ખાબડની ધરપકડની માંગ કરી હતી અને આ મામલે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમને ૫ જુલાઈએ એક ઘટના બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા, તેમને કોર્ટે વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે શરતી જામીન આપ્યા છે. તેઓ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે અને સત્ર દરમિયાન પોલીસના ખાસ જાપ્તા સાથે વિધાનસભામાં હાજરી આપશે.
વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને ગાંધીનગર શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંકુલની આસપાસ ૨ એસપી, ૬ ડીવાયએસપી, ૩૦ ઇન્સ્પેક્ટર, ૬૦ સબ-ઇન્સ્પેક્ટર અને ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત એસઆરપી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સક્રિય છે.