જેલમાંથી સીધા વિધાનસભા: AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ૩ દિવસના શરતી જામીન આપ્યા.
દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ત્રણ દિવસના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવા હવે ચાલુ રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં પોલીસ જાપ્તા સાથે હાજર રહેશે.
પાંચમી જુલાઈના રોજ દેડિયાપાડા ખાતે ATVTની એક સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ વડોદરાની મધ્યસ્થ જેલમાં હતા.
કોર્ટે ચૈતર વસાવાને ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે શરતી જામીન આપ્યા છે, જેથી તેઓ વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકે. આ ત્રણ દિવસ પૂર્ણ થયા બાદ તેમને ફરીથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવું પડશે. આ નિર્ણયથી તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે, પરંતુ તે પોલીસની દેખરેખ હેઠળ રહેશે.