દહેગામમાં ભારે વરસાદથી માર્ગ ધોવાયો: નાની માછંગ ગામ સંપર્ક વિહોણું, તંત્રએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું
ગાંધીનગર: દહેગામ તાલુકામાં ભારે વરસાદના કારણે નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે. તાલુકાના નાની માછંગ ગામને જોડતો એકમાત્ર રસ્તો વરસાદના પાણીમાં ધોવાઈ જતાં ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. જોકે, વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે પણ માર્ગ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નાની માછંગ ઉપરાંત, ખારી નદી પરનો કોઝવે પણ ઓવરફ્લો થતાં ડભોડા અને વડોદરા વચ્ચેની અવર-જવર જોખમી બની છે. સ્થાનિકોએ અહીં સુરક્ષા માટે ગાર્ડ મૂકવાની માંગ કરી છે. આ ઉપરાંત, વરસાદના કારણે મોટી માછુંગ અને સાહેબજીના મુવાડા ગામમાં એક-એક કાચું ઘર પડી ગયાના બનાવો પણ નોંધાયા છે.
આ ભારે વરસાદને કારણે દહેગામના બારિયા ગામ ખાતે એક પશુનું પણ મોત થયું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. ગામમાં થયેલા નુકસાન અને રસ્તા ધોવાઈ જવાના બનાવો બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી અને કાર્યપાલક ઇજનેરની ટીમ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.