ગુજરાતમાં કથળી કાયદો-વ્યવસ્થા: ચોરી, લૂંટ, અને ડ્રગ્સના ગુનાઓ વધ્યા, પોલીસ નિષ્ફળ
શાંત અને સલામત ગુજરાતની છબિ પર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ બેફામ બન્યું છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. વિધાનસભામાં ખુદ ગૃહ વિભાગે રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે, છેલ્લા છ મહિનામાં મહિલાઓ સામેના ગુનાઓમાં મોટો વધારો થયો છે. આંકડા મુજબ, અમદાવાદ અને સુરતમાં કુલ ૪૨૯ બળાત્કાર અને ૨૦૦ છેડતીના કેસો નોંધાયા છે, જેના કારણે મહિલાઓ અસુરક્ષિતતા અનુભવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગુનાઓમાં સંડોવાયેલા ૪૦ જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે અને પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહી છે.
વળી, આ બંને શહેરોમાં માત્ર મહિલાઓ વિરુદ્ધના ગુના જ નહીં, પરંતુ અન્ય ગુનાઓનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદ શહેરમાં જ ૧૮૦૩ ચોરીના કેસો, ૪૨ લૂંટના કેસો અને ૨૭૬ છેતરપિંડીના કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં ૭૪૦ ચોરી અને ૨૭ લૂંટના કિસ્સાઓ બન્યા છે. આ સિવાય, યુવાનોમાં નશાનું પ્રમાણ વધતાં નશીલા પદાર્થોની હેરાફેરીના કેસો પણ વધી રહ્યા છે, જેમાં અમદાવાદમાં ૫૯ અને સુરતમાં ૯૪ કેસ નોંધાયા છે. ગૃહ વિભાગના આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ગુનાખોરી પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.