નેપાળમાં ઉગ્ર આંદોલન: સોશિયલ મીડિયા વિવાદમાં ૨૦ લોકોના મોત, ગૃહમંત્રીનું રાજીનામું
નેપાળની રાજધાની કાઠમંડુમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવાનો દ્વારા કરવામાં આવેલા દેખાવો વધુ હિંસક બન્યા છે. પરિસ્થિતિ વણસતા પોલીસ કાર્યવાહીમાં મૃત્યુઆંક વધીને ૨૦ પર પહોંચ્યો છે, જ્યારે ૩૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તુરંત જ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપી દીધું હતું. ભલે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હોય, પરંતુ રાજધાનીમાં તણાવ હજુ પણ યથાવત્ છે.
મંગળવારે સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સામાન્ય કરફ્યુ હટાવવામાં આવ્યો હોવા છતાં, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નિવાસસ્થાન સહિત મુખ્ય સરકારી ભવનોની આસપાસ પ્રતિબંધો અમલમાં છે. વધુમાં, મંત્રીઓના નિવાસસ્થાનોની આસપાસ સવારના ૭ થી બપોરના ૧૨ વાગ્યા સુધી નવો કરફ્યુ લાદવામાં આવ્યો છે.
આ આંદોલન વચ્ચે, નેપાળ સેનાના નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ પોલીસ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર પ્રદર્શન દરમિયાન ગુમ થયો છે. તેમણે રાષ્ટ્રપતિ પાસે વર્તમાન સરકારને તાત્કાલિક ભંગ કરવાની માંગ કરી છે. લોકો દ્વારા ‘Gen-Z રિવોલ્યુશન’ કહેવાતા આ આંદોલનની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, જેઓ ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પરના સરકારી પ્રતિબંધને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવી રહ્યા છે.