ટ્રમ્પની ડિનર પાર્ટીમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: બે અમેરિકન અધિકારીઓ વચ્ચે મારામારી થતા થતા રહી ગઈ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યોજાયેલી એક ખાસ ડિનર પાર્ટીમાં બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી હતી કે મારામારી થતા થતા રહી ગઈ હતી. આ ઘટના ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટે અને નાણામંત્રી સ્કોટ બેસેન્ટ વચ્ચે બની હતી. એક અધિકારીએ બીજાને ‘હું તારું મોઢું તોડી નાખીશ, બહાર ચાલ’ એમ કહી દેતા માહોલ તંગ બની ગયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વોશિંગ્ટન ડી.સી.માં એક ખાનગી ક્લબમાં બની હતી. આ ડિનર ‘એક્ઝિક્યુટિવ બ્રાન્ચ’ના ઉદ્ઘાટન અને એક પોડકાસ્ટ હોસ્ટના જન્મદિવસની ઉજવણી માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી, કોમર્સ સેક્રેટરી અને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર જેવી અનેક મોટી હસ્તીઓ હાજર હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, સ્કોટ બેસેન્ટને ખબર પડી હતી કે બિલ પુલ્ટે ટ્રમ્પ સામે તેમની બુરાઈ કરી રહ્યા છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા બેસેન્ટે કોકટેલ પાર્ટીના શોરબકોર વચ્ચે પુલ્ટેને જાહેરમાં અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને મોઢા પર મુક્કો મારવાની ધમકી આપી હતી. આ ઘટનાને કારણે આ ઉચ્ચસ્તરીય ડિનર પાર્ટીમાં ક્ષણભર માટે તણાવ છવાઈ ગયો હતો.