ગાંધીનગર: ધો. ૯-૧૨ના ૧૩૨ વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ દ્વી શતાબ્દી સ્મારક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ધો. ૯-૧૨મા અભ્યાસ કરતાં ૧૩૨ વિદ્યાર્થીઓએ વોકેશનલ કોર્સ અન્વયે ખેતી અને પશુપાલન સંદર્ભે મોટી શિહોલીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં કૃષિ તજજ્ઞ શ્રી નરેન્દ્ર એલ મંડીર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો,દેશી બીજ અને ગીરગાય આધારિતની ખેત પધ્ધતિ વિષે જીણવટભરી અને વૈજ્ઞાનિક ઢબની માહિતી ઉદાહરણ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. દેશી બીજ,ગાય,પાક,તમામ આયામો સ્થળ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગાંધીનગરના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલે બાળકોને સાંપ્રત સમયમાં પ્રાકૃતિક કૃષિ વિશેની વિશિષ્ટ બાબતો જણાવી હતી. તેઓ દ્વારા શ્રી નરેન્દ્ર મંડીરને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્લાન્ટ પ્રોટેક્શન ગ્રુપ ઑફ એસોસિએશન આણંદ મારફતે પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ ખેડૂત એવોર્ડ મળતા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.