રક્તદાન શિબિર માટે ગુજરાતની પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો: ૧૬ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે રજા
ગાંધીનગર: રાજ્યભરમાં યોજાનાર વિશાળ મહા રક્તદાન શિબિરને કારણે મંગળવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં એક દિવસ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે શાળાઓનો સમય સવારનો રહેશે, જેથી શિક્ષકો પણ આ માનવતાવાદી કાર્યમાં યોગદાન આપી શકે.
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને ભારત સરકારના ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાની ઉજવણીના ભાગરૂપે ૧૬ સપ્ટેમ્બરે સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી રાજ્યમાં ૩૦૦થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આ શિબિર યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકો પણ ભાગ લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ૧૬ સપ્ટેમ્બરે શાળાઓ સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે જાગૃત કરવામાં આવશે. આ જાહેરાત તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલી દેવામાં આવી છે.