સરઢવ ગામમાં એચ. પી. ગેસ પ્લાન્ટ પર લાગી આગ
ગાંધીનગર તા. ૧૦ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામ ખાતે આવેલ એચ. પી. ગેસ પ્લાન્ટ પર આગ લાગી હતી. જે અન્વયે આગને કાબૂ કરવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સરઢવ ગામમાં ૦૯ સપ્ટેમ્બરના રોજ ૧૧:૩૦ કલાકે એચ. પી. ગેસ પ્લાન્ટ પર એલ.પી.જી. લીકેજ થતાં આગ લાગી હોવાની જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમના કર્મચારીઓએ રજીસ્ટરમાં આ વિશે નોંધ કરી, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ માટે સરકારી હોસ્પિટલ, કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ સ્ટેશન તથા લગત અધિકારીશ્રીઓને તુરંત ઘટના સ્થળે પહોંચવા ટેલીફોનિક જાણ કરી હતી. પ્લાન્ટ ખાતે આગ લાગતા તુરંત જ ઈમરજન્સી સાયરન દ્વારા પ્લાન્ટના કર્મચારીઓને સ્થિતિ અંગે સાવધ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા સ્થળ પર રહેલા ફાયર એસ્ટીન્ગ્યુશર અને અન્ય સાધનો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફએ આગને ત્વરિત કાબુમાં લીધી હતી. આશરે ૧૦ મિનિટમાં ક્વીક રિસ્પોન્સ મળતા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ડિઝાસ્ટર મામલતદાર શ્રી આર. એન. પરમાર તથા ડી.પી.ઓ. શ્રી મૌલિક પી. પંડ્યા દ્વારા ત્યારબાદ આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે મોકડ્રીલ દરમ્યાન તત્કાળ વિભાગીય સંકલનને મજબૂત કરવા પર ભાર મૂકયો હતો. ગાંધીનગર જિલ્લામાં કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન તળે વિવિધ આપાતકાલીન સ્થિતિમાં હરહંમેશ ઝડપી કામગીરી હાથ ધરી સ્થિતિને કાબુમાં લઇ શકાય તે માટે વિવિધ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે.