ચિલોડા-હિંમતનગર હાઇવે પર દારૂ ભરેલા ડાલાનો ફિલ્મી ઢબે પીછો: ₹૨.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર: ચિલોડા-હિંમતનગર હાઈવે પર પોલીસને બાતમી મળતા દારૂ ભરેલા એક ડાલાનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસે પીછો કરતા ડાલાનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ડાલામાંથી ₹૧,૭૭,૦૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે એક ડાલામાં દારૂનો જથ્થો પ્રાંતિજથી મોટા ચિલોડા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે ચંદ્રાલા પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને ડાલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને ચાલકે ડાલુ ભગાવી દીધું હતું. પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો, જેથી ચાલકે મહુન્દ્રા બ્રિજ પાસે ડાલુ મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો.
પોલીસે ડાલાની તપાસ કરતા તેમાંથી ૧૦૫૬ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ અને ડાલા સહિત કુલ ₹૨,૯૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વાહનના નંબરના આધારે ફરાર બુટલેગરને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રાજ્યમાં દારૂની હેરાફેરી હજી પણ મોટા પાયે થઈ રહી હોવાનું સ્પષ્ટ થાય છે.