દહેગામમાં પ્રેમલગ્નની સજા: યુવતીના પરિવારજનોએ ઘરે ઘૂસી હુમલો કરી અપહરણ કર્યું
ગાંધીનગર: દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવતીનું તેના જ પરિવારજનો દ્વારા ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું છે. દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર આ યુવતીના પરિવારજનોએ ગઈકાલે યુવકના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને બળજબરીથી યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ ગયા. દહેગામ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી, એક આરોપીની ધરપકડ કરી છે અને યુવતીની શોધખોળ શરૂ કરી છે.
દહેગામના રવિ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેણે દોઢ વર્ષ પહેલાં આયુષી રબારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓ છેલ્લા બે મહિનાથી દહેગામની શાહી કુટીર સોસાયટીમાં રહેતા હતા. ગઈકાલે બપોરે આયુષીના મામા કાનજીભાઈ રબારી અને અન્ય ત્રણ શખ્સો લાકડીઓ સાથે તેમના ઘરે આવ્યા હતા. આયુષીએ તેમની સાથે જવાનો ઇનકાર કરતા તેઓએ બળજબરીથી તેને ખેંચીને કારમાં બેસાડી અપહરણ કર્યું.
રવિ અને તેના પરિવારે આયુષીને બચાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. તાત્કાલિક ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતા, પોલીસે સ્થળ પર પહોંચી અને ચાર આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધ્યો. પોલીસે અમદાવાદના કાનજીભાઈ રબારી, દહેગામના કેવુલ રબારી, દક્ષ રબારી અને ગોવિંદ રબારી સામે ગુનો દાખલ કર્યો છે. મોડી રાત્રે પોલીસે દક્ષ રબારીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ અને અપહૃત યુવતીની શોધખોળ ચાલુ છે.