ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: જાહેર સાહસોના કર્મચારીઓ માટે લઘુતમ પેન્શન ₹૯,૦૦૦ નક્કી કરાયું
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે આવા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ માસિક લઘુતમ પેન્શન ₹૯,૦૦૦ મળશે. નાણા વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેનો અમલ ૧ ઑક્ટોબર ૨૦૨૫થી થશે.
અગાઉ, રાજ્ય સરકારના અન્ય પેન્શનરોને સાતમા પગારપંચનો લાભ મળી ચૂક્યો હતો, પરંતુ જાહેર સાહસોમાં સમાવિષ્ટ થયેલા કર્મચારીઓ માટે અલગથી આદેશ જારી કરવાનો બાકી હતો. વિવિધ કર્મચારી સંગઠનોની રજૂઆતો અને ભારત સરકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ કર્મચારીઓને રાહત આપવાનું નક્કી કર્યું છે.
આ ઠરાવ મુજબ, જે કર્મચારીઓ રાજ્ય સરકારની નોકરીમાંથી જાહેર સાહસોમાં સ્થાયી થયા છે અને હાલમાં માસિક ₹૯,૦૦૦થી ઓછું પેન્શન મેળવી રહ્યા છે, તેમને હવે લઘુતમ ₹૯,૦૦૦ પેન્શન મળશે. આ લાભ ૧ ઑક્ટોબર ૨૦૨૫થી રોકડમાં ચૂકવવામાં આવશે, જ્યારે તેના પહેલાના સમયગાળા માટેની ગણતરી ‘નોશનલ’ ગણવામાં આવશે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓને આર્થિક રાહત મળશે.