સુરત પર મેઘમહેર: ત્રણ દિવસથી ધોધમાર વરસાદ, ઠંડકનો અહેસાસ
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાત્રિના બફારા અને ગરમી બાદ વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે શહેરના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. જોકે, આ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓ પણ આવી છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વરસાદમાં ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં માત્ર એક જ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, પીપલોદ, અઠવા, વરાછા, અડાજણ અને ઉધના જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા,
જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રસ્તામાં અનેક વાહનો બંધ પડી જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા, જેનાથી નોકરી-ધંધા પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક તરફ વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી છે, તો બીજી તરફ શહેરીજનોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો. મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદને કારણે પરિસ્થિતિ જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

