સામ પિત્રોડા ફરી વિવાદમાં: ‘પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાં મને ઘર જેવું લાગે છે’
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ વિશે નિવેદન આપ્યું છે. પિત્રોડાએ કહ્યું કે, “જ્યારે હું આ દેશોની મુલાકાત લઉં છું, ત્યારે મને ઘર જેવો અનુભવ થાય છે અને મને નથી લાગતું કે હું કોઈ વિદેશી ધરતી પર છું.”
સામ પિત્રોડાએ ભારપૂર્વક કહ્યું કે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યાન તેના પડોશી દેશો સાથેના સંબંધો સુધારવા પર હોવું જોઈએ. તેમણે કહ્યું કે, “હું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં રહ્યો છું અને મને ત્યાં ઘર જેવું લાગે છે.” આ નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
આ પહેલીવાર નથી કે પિત્રોડા વિવાદમાં આવ્યા હોય. ગયા વર્ષે પણ તેમણે ભારતમાં વિવિધતા અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં પૂર્વના લોકો ચીની, પશ્ચિમના લોકો આરબ, ઉત્તરના લોકો શ્વેત અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.” આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો અને તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.