‘હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ’ અંતર્ગત જરૂરિયાતમંદ વર્ગના બાળકોને ચોપડાં-પેન વિતરણ યોજાયું
ગાંધીનગર, તા. 21
ગાંધીનગરની સેવાભાવો યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વર્ગના શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી “હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. સોમવારથી આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી શરુ થઇ રહ્યું છે, તેના એક દિવસ પૂર્વે “હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત મા સરસ્વતીના આશિર્વાદ સાથે આજે તા.21મી સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે 9 કલાકે સેક્ટર-13માં નંદનવન અનુદાનિત નિવાસી શાળા(આશ્રમ શાળા)ના 55 બાળકોને ચોપડાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજિક અગ્રણી વિદ્યા લાયબ્રેરીવાળા પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.
આ સદ્કાર્ય સાથે બાળકોને ચિત્રકળા શીખવાડવા ડ્રોઈંગ વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો જેમાં જેમાં રાજમિક આર્ટ એકેડમીના ફાઉન્ડર અને ડ્રોઈંગ આર્ટિસ્ટ ધાર્મિક જાની તથા એમના ધર્મપત્ની રાજકુમારી જાની ધાર્મિક જાની પધાર્યા હતા જેમણે બાળકોને વિનામૂલ્યે ડ્રોઈંગ શીટ અને કલર્સ પુરા પાડીને તેઓએ ચિત્રકલા વિશે પૂરતું જ્ઞાન પૂરું પાડ્યું હતું અને ચિત્રો દોરવાનું શીખવાડ્યું હતું જેમાં બાળકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. ડ્રોઈંગ વર્કશોપના અંતે બાળકોને પાર્ટીસીપેટ સર્ટિફિકેટ એનાયત કરવા સાથે હેપ્પી યુથ ક્લબ દ્વારા ચોપડાં-પેનનું વિતરણ કરવામાં આવ્યું અને ચોકલેટ્સ ખવડાવી મ્હોં મીઠું પણ કરવાયું હતું. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.