અસમિયા સંગીત સમ્રાટ ઝુબિન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન: રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
બોલિવૂડ અને આસામના પ્રખ્યાત ગાયક ઝુબિન ગર્ગ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. ગુવાહાટી નજીક સોનાપુરના કમરકુચીમાં તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું ફેવરિટ ગીત વગાડીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
૫૨ વર્ષીય ઝુબિનના અંતિમ સંસ્કારની વિધિ તેમની નાની બહેન પાલ્મી બોરઠાકુરે કરી. આ દુઃખદ સમયે તેમના પત્ની ગરીમા સૈકિયા ગર્ગ ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. ઝુબિનના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા, અને સૌએ ભીની આંખે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી હતી.
ઝુબિન ગર્ગનું અવસાન સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ દરમિયાન થયું હતું. તેમનો મૃતદેહ રવિવારે, ૨૧ સપ્ટેમ્બરના રોજ, સિંગાપોરથી ગુવાહાટી લાવવામાં આવ્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પણ સ્મશાનઘાટ પર હાજર રહ્યા હતા. ઝુબિનને તોપની સલામી આપીને આખરી વિદાય આપવામાં આવી હતી.