ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે ‘ઈ-સાઈન’ ફીચર ફરજિયાત
મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI)એ એક નવી ટેકનિકલ સુવિધા ‘ઈ-સાઈન’ શરૂ કરી છે. આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં મોટા પાયે મતદારોના નામ હટાવવાના આરોપો બાદ લેવાયો છે. આ નવી સિસ્ટમથી મતદારની ઓળખનો દુરુપયોગ અટકાવી શકાશે.
ચૂંટણી પંચે તેના ECINet પોર્ટલ અને એપ પર આ નવું ‘ઈ-સાઈન’ ફીચર લોન્ચ કર્યું છે. હવે, મતદાર યાદીમાં નામ નોંધાવવા (ફોર્મ ૬), નામ હટાવવા (ફોર્મ ૭) અથવા સુધારા (ફોર્મ ૮) માટે અરજી કરતી વખતે, અરજદારે પોતાના આધાર સાથે લિન્ક થયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ચકાસવી પડશે.
આ પ્રક્રિયામાં, અરજદારને એક અલગ ‘ઈ-સાઈન’ પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં આધાર નંબર નાખવાથી ફોન પર OTP આવશે, જે દાખલ કર્યા બાદ જ અરજી સબમિટ કરી શકાશે. આનાથી નકલી અરજીઓ પર અંકુશ આવશે અને ઓળખના દુરુપયોગનું જોખમ ઘટશે.