માણસામાં જીવલેણ અકસ્માત: ટ્રકની ટક્કરથી સાયકલ સવાર વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા મકાખાડ રેલવે ફાટક નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. ગલથરા ગામના રહેવાસી અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા ઠાકોર બાબુજી સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકના ચાલકે તેમને ટક્કર મારી. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધને શરીર અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, અને સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે.
અકસ્માત બાદ આજુબાજુના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઠાકોર બાબુજીને પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પુત્ર રામદેવજીએ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.