ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટેરિફ દાદાગીરી’નો ચીનનો વળતો જવાબ: સોયાબીન પર ૩૪% ટેરિફ અને ખરીદી બંધ, અમેરિકન ખેડૂતો મુશ્કેલીમાં
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટેરિફ દાદાગીરી’નો ચીને જડબાતોડ જવાબ આપ્યો છે, જેના કારણે અમેરિકાના ખેડૂતો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર ટેરિફ ઝીંક્યો, જેના વળતા જવાબમાં ચીને અનેક અમેરિકન ઉત્પાદનોની આયાત અટકાવી દીધી હતી. આની સૌથી મોટી અસર અમેરિકાના સોયાબીન સેક્ટર પર પડી છે.
ચીન અમેરિકા પાસેથી સૌથી વધુ સોયાબીન આયાત કરતો દેશ છે. ટ્રમ્પે ટેરિફ લગાવતા જ ચીને સોયાબીન પર ૩૪ ટકા ટેરિફ લગાવી દીધો, એટલું જ નહીં, તેની ખરીદી પણ સંપૂર્ણપણે બંધ કરી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ, ૨૦૨૪ માં અમેરિકાએ કુલ ૨૪.૫ અબજ ડૉલરની સોયાબીનની નિકાસ કરી હતી, જેમાંથી ૧૨.૫ અબજ ડૉલરનું ઉત્પાદન એકલા ચીને ખરીદ્યું હતું. જોકે, આ વર્ષે ચીને ખરીદી સંપૂર્ણપણે ટાળી દીધી છે. અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલના સીઈઓએ જણાવ્યું કે આયાત બંધ થવાના કારણે ખેડૂતો કરોડો રૂપિયાના નુકસાન અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, કારણ કે પાક કાપવાનો સમય નજીક છે અને જથ્થાનો નિકાલ થઈ રહ્યો નથી. બંને દેશો વચ્ચે સોયાબીનના વેપારને લઈને અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં, કોઈ નિવેડો આવ્યો નથી, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.