ગુજરાત

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દરમાં ચિંતાજનક ઘટાડો: ૧૦ વર્ષમાં ૨.૫ થી ઘટીને ૧.૯ થયો, બદલાતી લાઇફસ્ટાઇલ જવાબદાર

ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર (Fertility Rate) માં છેલ્લા એક દાયકામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) ના ડેટા મુજબ, ૨૦૧૧-૧૩માં આ દર ૨.૫ હતો, જે વર્ષ ૨૦૨૧-૨૩માં ઘટીને ૧.૯ થઈ ગયો છે. આ ૧૦ વર્ષના સમયગાળામાં થયેલો ઘટાડો રાજ્યની વસ્તી સ્થિરતા માટે મોટો પડકાર છે.

ઘટાડા પાછળના મુખ્ય પરિબળો અને રાષ્ટ્રીય ટ્રેન્ડ

ડૉક્ટરો અને નિષ્ણાતોના મતે પ્રજનનક્ષમતા દરમાં ઘટાડો થવા પાછળના મુખ્ય કારણો આ મુજબ છે:

  • મોટી ઉંમરે લગ્ન: યુવાનો દ્વારા મોડી ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય.
  • મોટી વયે સંતાન: મોટી વયે બાળકને જન્મ આપવાનો નિર્ણય લેવો.
  • બદલાતી જીવનશૈલી: આધુનિક અને તણાવપૂર્ણ જીવનશૈલીની સીધી અસર.

ગુજરાત હવે એવા મોટા રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જ્યાં પ્રજનનક્ષમતા દર ઓછો છે. જેમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સિક્કિમ (૧.૧) અને અંદમાન-નિકોબાર, ગોવા, લદ્દાખ (બધા ૧.૧) માં સમગ્ર દેશમાં સૌથી ઓછો પ્રજનનક્ષમતા દર છે.

રિપ્લેસમેન્ટ રેટ અને વ્યંધત્વનો વધતો દર

સમગ્ર દેશનો રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ ૨.૧ છે. એટલે કે, વસ્તીને સ્થિર રાખવા માટે એક મહિલાએ સરેરાશ બે બાળકને જન્મ આપવો જરૂરી છે. હાલમાં દેશમાં માત્ર પાંચ રાજ્યો એવા છે, જેનો ફર્ટિલિટી રેટ ૨.૦ થી વધુ છે.

ઘટતા પ્રજનન દરને કારણે વ્યંધત્વ (Infertility) ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

  • ડૉક્ટરોના મતે, હાલ દેશમાં દર વર્ષે લગભગ ૨.૫૦ લાખ IVF (ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન) સાયકલ થાય છે, જે આગામી થોડા વર્ષોમાં વધીને પાંચ લાખને પાર જઈ શકે છે.
  • એક અભ્યાસ મુજબ, ૮૫% યુગલો લગ્નના ૧-૨ વર્ષમાં સામાન્ય રીતે સંતાન સુખ મેળવી લે છે. પરંતુ બાકીના ૧૫% યુગલોને સંતાન પ્રાપ્તિ માટે IUI (ઇન્ટ્રા-યુટેરાઇન ઇન્સેમિનેશન) કે IVF જેવી આધુનિક તબીબી સારવારની મદદ લેવી પડે છે.

ડૉક્ટરોનું માનવું છે કે, ભારતમાં હજી વ્યંધત્વને બીમારીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી, જ્યારે વિશ્વના અનેક દેશોમાં તેને બીમારી ગણવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *