સોના-ચાંદીમાં આગઝરતી તેજી: ચાંદીએ ₹૧.૫૦ લાખનો ઐતિહાસિક આંકડો વટાવ્યો, સોનું ₹૧.૨૧ લાખને પાર
ભારતીય બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) ના અહેવાલ મુજબ, ચાંદીના ભાવે તો એક જ દિવસમાં મોટો ઉછાળો લઈને ₹૧.૫૦ લાખ પ્રતિ કિલોનો ઐતિહાસિક આંકડો વટાવ્યો છે.
સોના અને ચાંદીના ભાવમાં થયેલો આ વધારો રોકાણકારો માટે ખુશખબર સમાન છે:
- ચાંદી: ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹૨,૩૪૨ નો વધારો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹૧,૫૦,૭૮૩ બોલાયો હતો, જે બજારમાં એક નવો રેકોર્ડ છે.
- સોનું (૨૪ કેરેટ): ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં એક ઝાટકે ₹૧,૮૫૮ નો વધારો નોંધાતા તેનો ભાવ ₹૧,૨૧,૭૯૯ ને આંબી ગયો છે.
અમદાવાદના બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
વાર્ષિક આંકડાઓ: ૨૦૨૫ ના ૧૦ મહિનાના ગાળામાં સોનાના ભાવમાં લગભગ ₹૪૬,૦૦૦ જેટલો મોંઘો થયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૭૬,૦૦૦ ની આસપાસ હતો, જે હવે અમદાવાદમાં ₹૧,૨૩,૦૦૦ ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ ₹૬૫,૦૦૦ જેટલો મોટો વધારો નોંધાયો છે, જે ગત વર્ષના ₹૮૬,૦૦૦ ના ભાવની સામે એક મોટો કૂદકો છે. નિષ્ણાતો ભવિષ્યવાણી કરી રહ્યા છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ પણ દોઢ લાખ રૂપિયાને પાર કરી શકે છે.