ગાંધીનગર NIFT માં રાજસ્થાનની વિદ્યાર્થીનીનો આપઘાત: હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાધો, પોલીસ તપાસ શરૂ
ગાંધીનગર શહેરના રિલાયન્સ સર્કલ નજીક આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઇન (NIFT) માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના બનાવો ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીનીનું નામ હષતા ગોપી કિશન જાટ છે અને તે મૂળ રાજસ્થાનની વતની હતી. તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
- ઘટનાક્રમ: હષતા જ્યારે તેના રૂમમાં હતી, ત્યારે તેની સાથી વિદ્યાર્થીનીએ તેને ફોન કર્યો હતો, પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યો નહોતો.
- સાથી વિદ્યાર્થીની રૂમ પર પહોંચીને દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો ન ખૂલતાં અન્ય વિદ્યાર્થીનીઓ પણ એકઠી થઈ હતી.
- ત્યારબાદ હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવી હતી. વોર્ડન અને વિદ્યાર્થીનીઓએ મળીને દરવાજો તોડ્યો ત્યારે હષતા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.