સૌરાષ્ટ્રને 8 મંત્રીઓ છતાં આંતરિક અસંતોષ: સિનિયરોની બાદબાકીથી ભાજપમાં મૌન કચવાટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26માંથી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવા છતાં, પ્રદેશમાં ભાજપના આંતરિક રાજકારણમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ખાસ કરીને રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં સિનિયર નેતાઓને પડતા મૂકવા અને કેટલાક જિલ્લાઓની બાદબાકી થવાને કારણે કચવાટ છે. જોકે, મોટા નેતાઓના નિર્ણય સામે બોલવાનું ટાળીને સિનિયરોએ મૌન સેવી લીધું છે.
રાજકોટમાં સિનિયર અનુસૂચિત જાતિના મંત્રી ભાનુબહેન બાબરિયાને હટાવી દેવાતાં અને લેઉવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયાને સ્થાન ન મળતાં નારાજગી છે. જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રે વિરોધમાં પડવાને કારણે તેમને પડતા મુકાયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમણે ‘પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય’ કહીને પ્રતિક્રિયા આપી હતી. લેઉવા સમાજની નારાજગી ટાળવા માટે અમરેલીના કૌશિક વેકરિયા (જેઓ ઓડિયો ક્લિપ વિવાદમાં હતા)ને સ્થાન અપાયું છે.
જામનગરમાં સિનિયર રાઘવજી પટેલને પડતા મૂકીને રિવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી ક્ષત્રિય સમાજને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે મોરબીના કાંતિ અમૃતિયાને પણ પ્રથમવાર મંત્રીપદ મળ્યું છે. બીજી તરફ, દેવભૂમિ દ્વારકાના સિનિયર મંત્રી મૂળુ બેરાને પડતા મુકાતા નારાજગી પ્રવર્તે છે અને જૂનાગઢ જિલ્લાને આ વખતે પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.