PM મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં રહેલા PSIનો આપઘાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની ખાતે નર્મદા નદીના વધામણા કરવા આવ્યા છે.આ દરમિયાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઇએ પોતાની સર્વિસ રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવ્યા હતા. જેને લઈ નવસારી, વડોદરા, ભરૂચ જિલ્લાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન સી ફિણવિયાનો સર્કિટ હાઉસ ખાતે પોઈન્ટ હોવાથી ફરજ પર હાજર હતા. સાડા દસ વાગ્યાની આસપાસ પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગતા તેમણે આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરી અધિકારીઓના દબાણ અને હેરાનગતિના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે નવસારી પોલીસના અધિકારીઓએ પણ બંદોબસ્તમાંથી ઘટનાસ્થળે દોડવું પડ્યું હતું.
વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન સી ફિણવિયાએ સર્કિટ હાઉસ ખાતે આત્મહત્યા કરી હતી. ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. તેઓ 2013ની બેચના પીએસઆઈ હતા.