IFFCO અધ્યક્ષ દિલીપ સંઘાણી અને આંધ્ર પ્રદેશના CM ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે શુભેચ્છા મુલાકાત
IFFCO (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ)ના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ શ્રી સંઘાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ બેઠક દરમિયાન IFFCO કિસાન SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના વિકાસ કાર્યોને આગળ વધારવા અંગે અત્યંત સારગર્ભિત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે IFFCO કિસાન SEZ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે સંબંધિત અધિકારીઓને આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ સહકાર અને કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવાના નિર્દેશો આપ્યા.
IFFCO અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીના સકારાત્મક અભિગમ અને તાત્કાલિક સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રાજ્ય સરકારના આ સમર્થનથી પ્રોજેક્ટને નવી ગતિ મળશે, જેનાથી ક્ષેત્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મજબૂત આધાર મળશે. બેઠકમાં પ્રોજેક્ટની વર્તમાન પ્રગતિ, ભવિષ્યની સંભાવનાઓ અને રાજ્ય સરકાર તરફથી વધારાનો સહકાર મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.
આ મહત્વપૂર્ણ બેઠકમાં આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી શ્રી ટી.જી. ભારત, ઉદ્યોગ વિભાગના સચિવ ડૉ. એન. યુવરાજા (IAS), IFFCOના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.જે. પટેલ, સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાકેશ કપૂર, IFFCO કિસાન SEZના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ટી. સુધાકર અને નેલ્લોરના કલેક્શનર શ્રી હિમાંશુ શુક્લા (IAS) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

