કડાદરાથી કરોલી ગામ વચ્ચે ૪.૨૦ કિ.મી.નો નવો પાકો ડામર રોડ બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યમાં માર્ગે અને મકાન વિભાગ દ્વારા કમોસમી વરસાદના લીધે ધોવાણ થયેલા તેમજ અન્ય કાચા રસ્તાઓને પાકા અને સુદ્રઢ બનાવી લોકોને સુગમ પરિવહનની સેવા પૂરી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓના સમારકામ, નવીનીકરણ અને નવા પાકા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કડાદરા ગામ થી કરોલી સુધી રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંદાજે ૪.૨૦ કિ.મીનો નવો પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે. તા.૧૯ નવેમ્બરના રોજ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના હસ્તે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અગાઉ કડાદરા થી કાચા રસ્તે ખેડૂતો અને ગ્રામજનોએ પસાર થવું પડતું હતું. ત્યાં હવે પાકો ડામર સપાટીવાળો રસ્તો બનતા લોકોને સુગમ પરિવહનની સુવિધા મળશે.રોડની કામગીરી અંતર્ગત હાલમાં જંગલ કટીંગ કરવામાં આવી રહ્યું છે. આ રસ્તો મંજૂર થતા કડાદરા અને કરોલીના ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

