રાષ્ટ્રીય

મમતા બેનરજી અને PM મોદીની મુલાકાતઃ રાજ્યના વિવિધ મુદ્દે કરી ચર્ચા

નવી દિલ્હીઃ

એકબીજાના રાજકીય વિરોધી એવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતથી શરૂ થયેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં મમતા બેનરજીએ પત્રકાર પરિષદ કરીને તેમની મુલાકાતના ધ્યેય અંગે સ્પષ્ટતા કરી હતી. મમતા બેનરજીએ જણાવ્યું કે, તેમણે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સાથે જ વડાપ્રધાનને પશ્ચિમ બંગાળ આવવા માટે નિમંત્રણ આપ્યું હતું.

મમતા બેનરજીએ જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં 6 કોલ બ્લોકમાં લગભગ રૂ.1200 કરોડનું રોકાણ થયું છે, જે દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી લોકોને રોજગાર મળશે. વડાપ્રધાનને કોલ બ્લોકના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપ્યું છે. તેનું ઉદ્ઘાટન દુર્ગા પૂજા પછી થશે. છેલ્લા વર્ષો દરમિયાન રાજ્યમાં થયેલા વિવિધ કાર્યોની વિસ્તૃત માહિતી સંબંધિત દસ્તાવેજ પણ તેમણે વડાપ્રધાનને સુપરત કર્યા છે.”

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમણે રાજ્યનું દેવું માફ કરવા વડાપ્રધાનને વિનંતી કરી છે. રાજ્યની વિવિધ માગ મુદ્દે વડાપ્રધાનને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ મુલાકાત રાજકીય નહીં પરંતુ એક સરકારની બીજી સરકાર સાથે મુલાકાત હતી.

પશ્ચિમ બંગાળનું નામ બદલવા કરી વિનંતી
બંને નેતાઓની બેઠકનો મુખ્ય મુદ્દો રાજ્યનું નામ બદલવાનો પણ હતો. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને ‘બંગ્લા’ કરાવવા માગે છે. આ બાબતે તેમણે વડાપ્રધાન સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક પછી મમતા બેનરજીએ કહ્યું કે, વડાપ્રધાને આ મુદ્દે તેમને આશ્વાસન આપ્યું છે.

ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી પાસે માગ્યો સમય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, તેમણે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પાસે પણ મળવાનો સમય માગ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x