ગાંધીનગર

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય અને સ્વાવલંબનની દિશામાં આગળ વધતા હિતેષભાઈ પટેલ

ગાંધીનગર, તા.૧૯ સપ્ટેમ્બર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે. ફાર્મના સંચાલક હિતેષભાઈ પટેલ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલો રહી આરોગ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનનો સંદેશ આપી રહ્યા છે. અને આજ સંદેશ લઈ તેઓ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા સ્ત્રી શક્તિ મેળામાં પરિવાર સહિત સહભાગી બન્યા છે.

હિતેષભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંની વિવિધ દેશી જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે ગાય આધારિત ખેતીને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીમાંથી અનેક ઉપયોગી અને આરોગ્યપ્રદ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ફાર્મ ખાતે ગાયના ગોબર અને માટીમાંથી બનાવવામાં આવતી ધૂપ, કપ તથા અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો લોકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. આ ઉપરાંત, મકાન ક્ષેત્રમાં વરસાદી પાણીનું સંચય કરીને તેમાં રહેલા ૨૦ પ્લસ કેલ્શિયમયુક્ત પાણીને ઔષધી ઉપયોગમાં લેવામાં આવે છે, જે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે.

હાથ-પગના દુખાવા માટે બનાવવામાં આવતો પ્રાકૃતિક બામ, તેમજ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતો સાબુ અને શેમ્પૂ આરોગ્ય માટે સુરક્ષિત હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને ગૌ સંજીવની ગોનાઈલ, જે ગૌમૂત્ર અને લીમડાના અર્કથી બનાવવામાં આવે છે, તે કેમિકલયુક્ત ફિનાઈલની તુલનામાં સંપૂર્ણપણે નિષ્કર છે. આ ગોનાઈલથી ચામડી પર કોઈ આડઅસર થતી નથી તેમજ ઘરનું વાતાવરણ સુગંધિત, પવિત્ર અને જીવાણુમુક્ત બને છે. પ્રાકૃતિક ઢબે તૈયાર કરેલા કીટનાશક દ્રાવણો દ્વારા ખેડૂતોને સારા પરિણામ મળતા અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત થયા છે. વિશેષ બાબત તરીકે, ગોબરમાટીમાંથી બનાવવામાં આવતી રેડિએશન ચિપ્સ મોબાઇલ ફોનથી ઉત્પન્ન થતી હાનિકારક રેડિએશનથી બચવામાં મદદરૂપ બની રહી છે, જે આરોગ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. હિતેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે, સરકારની વિવિધ યોજનાઓ અને સહાયથી તેમને પ્રોત્સાહન મળ્યું છે અને તેના પરિણામે વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિ, સ્વદેશી ઉત્પાદનો અને પર્યાવરણ સંરક્ષણનો જીવંત દાખલો બની રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *