આયુષ્માન ભારત યોજના હેઠળ હવે એન.એફ.એસ.એ અને વય વંદના પ્રકારના કાર્ડ દ્વારા લોકોને મળી રહ્યો છે સ્વાસ્થ્ય વીમાનો લાભ
વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી ગુજરાતમાં લાખો પરિવારોને આરોગ્યની આપાતકાલીન મુશ્કેલીઓમાં પણ તાત્કાલિક સારવારની સુવિધા મળતી થઈ છે. ભારત સરકારની આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ હવે બે અલગ-અલગ પ્રકારના કાર્ડ દ્વારા લોકો સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં, NFSA રેશનકાર્ડ ધારકો અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ગાંધીનગર જિલ્લામાં હાલ સુધીમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ કેટેગરી અંતર્ગત કુલ ૬,૯૫,૯૯૫ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે ૭૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટેની વય વંદના યોજના અંતર્ગત જિલ્લાના કુલ ૨૭૯૬૭ વયો વૃદ્ધોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં દહેગામ તાલુકાના ૬૧૨૫, ગાંધીનગર તાલુકાના ૬૦૭૧, કલોલ તાલુકાના ૬૮૮૧, અને માણસા તાલુકાના ૮૮૯૦ વરિષ્ઠ નાગરિકોને કાર્ડની સુવિધા પહોંચાડવામાં આવી છે.
આ બંને કેટેગરીમાં આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા અને વિશેષતા જાણીએ તો, NFSA પ્રકારના PM-JAY કાર્ડ મુખ્યત્વે એવા પરિવારો માટે છે જેઓ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ રેશનકાર્ડ ધરાવે છે. જે પરિવારો પાસે NFSA રેશનકાર્ડ છે અને જેમની વાર્ષિક આવક નિયત મર્યાદા (સામાન્ય રીતે ₹4 લાખ સુધી) ની અંદર છે, તેઓ આ કાર્ડ મેળવી શકે છે. ગુજરાતમાં આ કાર્ડ ધારકોને પરિવાર દીઠ વાર્ષિક ₹૧૦ લાખ સુધીની મફત સારવાર મળે છે. (કેન્દ્ર સરકારના ₹૫ લાખ + રાજ્ય સરકારના વધારાના ₹૫ લાખ). આ કાર્ડ ‘ફેમિલી ફ્લોટર’ ધોરણે કામ કરે છે, એટલે કે પરિવારના તમામ સભ્યો એક જ મર્યાદામાં સારવાર કરાવી શકે છે.જેમા ગંભીર બીમારીઓ, ઓપરેશન અને હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ આવરી લેવામાં આવે છે.
વય વંદના પ્રકારનું PM-JAY કાર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર ૨૦૨૪માં ખાસ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે છે. આ માટે ૭૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ ભારતીય નાગરિકો કાર્ડ મેળવવાને પાત્ર છે. આ કાર્ડ માટે કોઈ આવક મર્યાદા નથી. પછી ભલે તે અમીર હોય કે ગરીબ, દરેક ૭૦ વર્ષથી વધુ વયના નાગરિક તેનો લાભ લઈ શકે છે.
આ કાર્ડ અંતર્ગત વ્યક્તિગત રીતે વાર્ષિક ₹૫ લાખ સુધીનું ફ્રી હેલ્થ કવર મળે છે. જો કોઈ પરિવાર પાસે પહેલેથી NFSA હેઠળનું PMJAY કાર્ડ હોય, તો તે પરિવારના ૭૦ વર્ષથી ઉપરના સભ્યોને આ ₹૫ લાખનું વધારાનું (Top-up) કવર મળશે, જે ફક્ત તેમના માટે જ હશે.
જો વરિષ્ઠ નાગરિક CGHS અથવા ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસની અન્ય સ્કીમમાં હોય, તો તેઓ આ કાર્ડ અથવા જૂની સ્કીમ બેમાંથી એક પસંદ કરી શકે છે.
કાર્ડ કેવી રીતે કઢાવવું?
કોઈપણ ભારતીય નાગરિક’Ayushman App’ ડાઉનલોડ કરીને જાતે KYC કરી શકે છે અથવા નજીકના VCE (ગ્રામ પંચાયત), જન સેવા કેન્દ્ર (CSC) અથવા સરકારી હોસ્પિટલના આયુષ્માન મિત્રનો સંપર્ક કરી આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે. આ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ હોવું અનિવાર્ય છે.
આયુષ્માન કાર્ડ (PM-JAY) માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ અરજી કરી શકો છો. જે માટે આયુષ્માન એપ (Ayushman App) દ્વારા અરજી કરી શકાશે.
સ્ટેપ 1: એપ ડાઉનલોડ કરો
– સૌથી પહેલા Google Play Store પરથીNHA દ્વારા બનાવેલી ‘Ayushman App’ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: લોગિન પ્રક્રિયા
– એપ ખોલીને ‘Login’ પર ક્લિક કરો.
– ત્યાં ‘Beneficiary’ વિકલ્પ પસંદ કરો.
– તમારો મોબાઈલ નંબર નાખો અને ‘Verify’ પર ક્લિક કરો. તમારા નંબર પર આવેલો OTP નાખીને લોગિન કરો.
સ્ટેપ 3: લાભાર્થીની શોધ (Search)
– હવે એક નવું પેજ ખુલશે જેમાં વિગતો ભરો:
– State: Gujarat
– Scheme: PMJAY (સામાન્ય માટે) અથવા PMJAY-VAY VANDANA (૭૦ વર્ષથી વધુ ઉંમરના માટે)
– Search By: ‘Ration Card’ અથવા ‘Aadhaar Number’ પસંદ કરો.
– District: તમારો જિલ્લો પસંદ કરો.
– વિગતો ભરીને ‘Search’ પર ક્લિક કરો.
સ્ટેપ 4: KYC પ્રક્રિયા
– સર્ચ કર્યા પછી તમારા પરિવારના સભ્યોના નામ દેખાશે.
– જે સભ્યનું કાર્ડ બનાવવું હોય તેના નામ સામે ‘Do E-KYC’ પર ક્લિક કરો.
– KYC માટે ‘Aadhaar OTP’ નો વિકલ્પ સૌથી સરળ છે (આ માટે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે).
– OTP વેરીફાય કર્યા પછી તમારો લાઈવ ફોટો પાડવાનો રહેશે.
સ્ટેપ 5: કાર્ડ ડાઉનલોડ
– બધી વિગતો સબમિટ કર્યા પછી, જો તમારી વિગતો આધાર સાથે મેચ થશે તો તમારું કાર્ડ તરત જ ‘Approve’ થઈ જશે.
– તમે ‘Download Card’ પર ક્લિક કરીને તેને PDF સ્વરૂપે સાચવી શકો છો.
જરૂરી દસ્તાવેજો (Documents Needed)
– આધાર કાર્ડ (મોબાઈલ નંબર લિંક હોવો હિતાવહ છે).
– રેશનકાર્ડ (NFSA હોવું જરૂરી છે).
– મોબાઈલ ફોન (OTP માટે).
વય વંદના કાર્ડ માટે, જો તમે ૭૦+ વયના છો અને તમારું નામ લિસ્ટમાં નથી, તો તમે ‘Aadhaar Card’ના આધારે નવું રજીસ્ટ્રેશન પણ તે જ એપમાં કરી શકો છો.
ઓનલાઈન સિવાય નજીકના ‘Common Service Center’ (CSC) અથવા ગ્રામ પંચાયતમાં VCE પાસે જઈને પણ કાર્ડ કઢાવી શકાશે.

