ગુજરાતમાં સિઝનનો સરેરાશ 56% વરસાદ છતાં પણ જળાશયોનાં કાંઠા હજીય તરસ્યા
ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા વ્યાપક વરસાદને કારણે સિઝનનો સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે પરંતુ જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિ સંતોષકારક નથી. રાજ્યમાં પડેલો વરસાદ કૃષિ વાવેતર માટે બહુ સારો છે પરંતુ પીવાના પાણીની માંગને પહોંચી વળવા માટે ડેમોમાં પાણીની પર્યાપ્ત આવક થઇ શકી નથી. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જળાશયોમાં 7 ટકા ઓછો જળસંગ્રહ છે.
રાજ્યના ડેમોમાં ગત વર્ષ કરતા 7 ટકા ઓછું પાણી
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના જળાશયો હજુ અડધા પણ ભરાયા નથી તેવા સંજોગોમાં હવે પૂરતો વરસાદ નહીં પડે તો ચિંતાજનક સ્થિતિ સર્જાઇ શકે છે. રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 797 મીમી. નોંધાયો છે. જ્યારે રાજ્યના 203 જળાશયોમાં 62.57 ટકા પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે આ જથ્થો 70.85 ટકા હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાં 100 ટકા જથ્થો છે પરંતુ સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 31.09 ટકા પાણી સંગ્રહિત થઇ શક્યું છે. ગત વર્ષે આ સમયે 50 ટકા જથ્થો હતો. તે જ રીતે કચ્છમાં 38.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં 46.22 ટકા પાણીનો સંગ્રહ થઇ શક્યો છે.
-રાજ્યના 102 ડેમમાં હજુ 25 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો
રાજ્યના 203 મુખ્ય જળાશયો પૈકી 102 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જ્યારે 44 જળાશયોમાં 70 ટકા કરતાં વધુ, 24 જળાશયોમાં 50 થી 70 ટકા, 33 જળાશયોમાં 25 થી 50 ટકા જથ્થો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 1 લાખ 85 હજાર 963 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે જે સંગ્રહશક્તિના 100 ટકા છે.
-સૌરાષ્ટ્રના ડેમ નર્મદાથી ભરવા માગણી
સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિકટ સ્થિતિ ઊભી ન થાય તે માટે સૌરાષ્ટ્રના ડેમોને નર્મદાના પાણીથી ભરવા માટે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અમૃતિયાએ પત્રમાં જણાવ્યું છે કે નર્મદામાં હાલ પાણીની સારી આવક છે ત્યારે સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવામાં આવે તો પીવાના પાણી તેમજ સિંચાઇ માટેની આગોતરી વ્યવસ્થા થઇ શકે તેમ છે.