ગાંધીનગરમાં ભારતીય માનક બ્યુરો,અમદાવાદ(BIS) દ્વારા 79 મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
ગાંધીનગર
આજે ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના જિબાબેન પટેલ મેમોરીયલ ઓડિટોરિયમમાં, ભારત માનક બ્યુરો,અમદાવાદ,( BIS)ના 79 મા સ્થાપના દિવસના અવસરે,” સ્વદેશી અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાથી આત્મનિર્ભર ભારત” વિષય પર ગુણવત્તા સંમેલન (Quality Conclave)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે ગુજરાતના અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકીએ ભારતીય ધોરણોના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનને રેખાંકિત કરી BISને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી , જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારત તરફ સૌને લઈ જવા માટેના પ્રયત્નોમાં આપણને જોડ્યા છે એની સાથે પહેલું પગથિયું છે ક્વોલિટી.આવનારા સમયની ક્વોલિટીનું મહત્વ વધવાનું છે. કોઈપણ ક્ષેત્રમાં પોતાનું સ્ટાન્ડર્ડ જાળવી રાખનારા હંમેશા આગળ જ વધ્યા છે. આવનારા સમયમાં સમગ્ર ભારતમાં બનતી ક્વોલિટીવાળી વસ્તુમાં , ગુણાત્મક સુધારો કેવી રીતે આવે એ બાબત ઉપર ભારત અને ગુજરાત સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં BISની છેલ્લા 78 વર્ષની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના લક્ષ્યો સિદ્ધ કરવામાં ભારતીય ધોરણોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો .IIT ગાંધીનગરના નિર્દેશક અને પ્રોફેસર શ્રી રજત મૂનાએ BISને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી અને જાહેરહિતને કેન્દ્રમાં રાખી માનકો ઘડવામાં BISના યોગદાનની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક-‘સી’, BIS અમદાવાદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ, જેમાં મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને ઝીરો ડિફેક્ટ–ઝીરો ઇફેક્ટની દૃષ્ટિ વ્યક્ત કરવામાં આવી હતી, તે વાંચવામાં આવ્યો હતો.શ્રી સુનિલ પરેખ, ચેરમેન, CERCએ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણની આવશ્યકતા અને ઉપભોક્તા સુરક્ષા માટે BISની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો .ડૉ. એસ. પી. સિંહ, ડિરેક્ટર જનરલ, કૌશલ્યા – દ સ્કિલ યુનિવર્સિટીએ ઉત્પાદન પ્રક્રિયામાં માત્રા સાથે ગુણવત્તા પર પણ સમાન ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ભારત સરકારના ગ્રાહક બાબતો વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતનું રાષ્ટ્રીય ધોરણ સંસ્થાન છે. BIS 1947થી ઉદ્યોગો અને ઉપભોક્તાઓની સેવા કરી રહ્યું છે. અગાઉ ભારતીય ધોરણ સંસ્થા (ISI) તરીકે ઓળખાતું BIS સંરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ તથા અન્ય યોજનાઓ દ્વારા ગુણવત્તા પ્રોત્સાહિત કરે છે. ISI માર્ક આજે ભારતીય ઘરોમાં ગુણવત્તાનો પર્યાય બની ગયો છે, જ્યારે હોલમાર્કિંગ યોજનાએ સોનાની શુદ્ધતા માટે ઉપભોક્તાઓને સર્વોચ્ચ વિશ્વાસ પૂરો પાડ્યો છે.યુવા પેઢીમાં ગુણવત્તા અંગે જાગૃતિ વધારવા માટે BIS દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 10,000થી વધુ સ્ટાન્ડર્ડ્સ ક્લબ્સ સ્થાપવામાં આવ્યા છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુણવત્તા અને માનકીકરણ વિષયક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ અને અનુભવ મેળવી રહ્યા છે.
BIS ગુજરાત રાજ્યમાં 1971થી અમદાવાદ સ્થિત કાર્યાલય દ્વારા સેવા આપી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતના ઉદ્યોગોએ BIS પાસેથી 6,000થી વધુ લાયસન્સ મેળવ્યા છે, જે સમગ્ર દેશમાં આપવામાં આવેલા કુલ લાયસન્સના 12 ટકા કરતા વધુ છે. આ આંકડો રાજ્યની ગુણવત્તા, નવીનતા અને ભારતીય ધોરણો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિર્દેશક, BIS અમદાવાદે BISની વિવિધ પ્રવૃત્તિઓ અને પહેલોની માહિતી આપતી પ્રસ્તુતિ કરી હતી .શ્રીમતી અનિંદિતા મહેતા, CEO, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે ઉપભોક્તા ઉત્પાદન સલામતી વિષય પર ટેકનિકલ વ્યાખ્યાન આપી અને ઉપભોક્તા સંરક્ષણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમ દરમિયાન એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ તથા ઉદ્યોગો અને ગુજરાત પ્લાયવુડ એસોસિયેશન સહિતના હિતધારકો દ્વારા ટેકનિકલ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી .વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

