પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોટી શિહોલી, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાયો
ગાંધીનગર, તા.29 જાન્યુઆરી
આજ રોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મુ. શિહોલી મોટી ખાતે સ્થિત પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ (મોડેલ ફાર્મ) પર પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) અંતર્ગત ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરંપરાગત કૃષિ વિકાસ યોજના વ્યક્તિ વિકાસ કેન્દ્ર, બેંગલોર દ્વારા શ્રી શ્રી રવિશંકરની સંસ્થા મારફતે પ્રાકૃતિક કૃષિ, દેશી ગાય આધારિત ખેતી તેમજ ઝેરમુક્ત ખેતી અંગે ગાંધીનગર આત્માના અધિકારીશ્રી પરાગભાઈ કેવડીયા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શ્રી ચિંતનભાઈ વ્યાસ (અમદાવાદ) દ્વારા યોજના અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મંદિર, ગાંધીનગર દ્વારા ફાર્મ પર ઉપલબ્ધ દેશી ગાયો, દેશી બીજ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે પાક નિદર્શન સાથે ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ ઉત્પાદનોનો એક સ્ટોલ પણ યોજાયો હતો, જેમાં ખેડૂતો દ્વારા પોતાના ઉત્પાદનો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા અને અન્ય ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમૃતભાઈ પટેલ (જાખોરા), નરેન્દ્રભાઈ સુતરીયા (તાજપુર), ખોડાજીભાઈ (મેદરા), શંકરભાઈ (વીરાતલાવડી) તથા બારીયા મહેશભાઈ ચૌહાણ દ્વારા મહત્વપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી હતી.

