દિવાળી સુધીમાં ગિરનાર રોપ-વેની કામગીરી પૂરી થાય તેવી શક્યતા
ગાંધીનગર :
યાત્રાધામ પ્રવાસન વિકાસ બોર્ડની બેઠક મળી હતી. યાત્રાધામ વિભાગના રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ગિરના રોપ-વે કામગીરીની સમીક્ષા કરાઈ હતી જેમાં દિવાળી સુધીમાં ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જૂનાગઢના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતી બાપુ, શેરનાથ બાપુ અને ગિરનાર યાત્રાધામ સમિતિના સદસ્યોએ વિભાવરી દવેને કેટલીક રજૂઆતો કરી હતી. બેઠક બાદ વિભાવરી દવેએ જણાવ્યું હતું કે ગિરનાર યાત્રાધામ વિકાસ સમિતિમાં જૂનાગઢના સંતો અને મહંતો સહિત કેટલાક સભ્યો રોપ-વેની કામગીરી અંગે પ્રશ્ર્નો લઈ ઉપસ્થિત થયા હતા. ગિરનાર પર્વત ઉપર કેટલીક મહત્ત્વની સુવિધાઓ વિશે સમિતિને સૂચનો કરવામાં આવ્યા છે. સભ્યોએ સુરક્ષાની ચિંતા કરી હતી. જ્યાંથી રોપ-વે અટકશે ત્યાંથી ડોલીવાળા લોકો હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પર્વત ઉપર રોપ-વે જ્યાં પ્રવાસીઓને ઉતારશે ત્યાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોપ-વેની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી અને રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.