ગુજરાતમાંથી 25 લાખની સેના આપો, હું સમાજને મુખ્યંત્રી આપીશ: અલ્પેશ ઠાકોર
પાલનપુર: ગુજરાતના ઠાકોર સમાજમાં દારૂની બદી ઘર કરી ગઇ છે. 35 વર્ષના યુવાનો કમોતે મરી રહી રહ્યા છે ત્યારે ગુજરાત ક્ષત્રિય સેના થકી આ બદી દૂર કરી સમાજને વ્યસનમુકત અને શિક્ષિત બનાવવો છે. આ ભગીરથ પ્રયાસને ખૂબ જ મોટી સફળતા મળી છે. સમાજને એક સાચી દિશા મળી ગઇ છે. હું મરી જઇશ પણ રાજકારણમાં નહી આવું પણ ગુજરાતના 15 હજાર ગામોમાંથી 25 લાખની સેના આપો તો સમાજનો મુખ્યમંત્રી જરૂર આપીશ. તેમ પાલનપુરના ગોળા (ખાખોર) ગામે મંગળવારે યોજાયેલી ગુજરાત ક્ષત્રિય સેનાની સભામાં પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ.
પાલનપુરના ગોળા (ખાખોરા) ખાતે યોજાયેલી ગુજરાત ક્ષત્રિય સેનાની વિશાળ સભાને સંબોધતાં પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજના રાજકારણીઓ નેતાઓને આડે હાથ લેતાં જણાવ્યું હતુ કે, ચૂંટણી આવે ત્યારે સમાજના નામે મતો માંગવા આવતાં નેતાઓ વિજય મેળવ્યા બાદ સમાજનું કોઇ કામ કરતા નથી. આગામી સમયમાં હવે ચૂંટણીઓ આવશે ત્યારે આવા નેતાઓને આપણે ઓળખવાના છે. અન્ય સમાજના લોકો કહે છે કે, ઠાકોરો કદી એક ન થાય પરંતુ આજે ગુજરાતના 7000 ગામડાઅોમાં ઠાકોર સેના દ્વારા દારૂના દુષણે બંધ કરાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
26 મી જાન્યુઆરીએ ગાંધીના ગુજરાતમાંથી દેશી દારૂની દેશવટો આપવા માટે અમદાવાદ જીએમડીસી મેદાનમાં 10 લાખ ઠાકોરો એકત્ર થવાના છે. આ કાર્યમાં બહેનોને પણ જોડાવવા માટે અપીલ કરતાં જણાવ્યું હતુ કે, વેવાઇ ભલે કરોડોની પાર્ટી હોય પણ જમાઇ દારૂ પીતો હોય તો દિકરીને કદાપી કસાઇવાડે ન મોકલવી જોઇએે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ભાજપ- કોંગ્રેસ દ્વારા મને પક્ષમાં જોડાઇ જવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. જોકે, હુ મરી જઇશ પણ કદાપી રાજકારણમાં નહી આવું સમાજની સેવા એજ ધ્યેય રહેશે.
ઠાકોર સમાજ 2017 સુધીમાં 15000 ગામડાઓમાંથી 25લાખની સેના અાપશે તો સમાજનો મુખ્યમંત્રી આપીશ. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર, શિલ્પા ઠાકોર, બનાસકાંઠા ક્ષત્રિય સેનાના પ્રમુખ મેલાજી ઠાકોર, પાલનપુર તાલુકા ક્ષત્રિય સેનાના પ્રમુખ જગદીશજી ઠાકોર, ડો. જગદીશ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.