‘મોદી સાહેબ ચુપ છે ત્યાં સુધી સારૂ છે જો સાહેબનું ત્રીજું નેત્ર ખુલ્યું તો…!’: મંત્રી નીતિન પટેલ
વેરાવળ:ચીન અને પાકિસ્તાન છાશવારે છમકલાં કરે છે. કોઇ ભારતને નમાવી શકે નહીં. પણ મોટું કાંઇ થશે તો ભારતની સેના પાકિસ્તાનને ધૂળ ચાટતી કરવા પૂરી સક્ષમ છે. મોદીનો સ્વભાવ બધા જાણે છે. તેઓ ચુપ છે ત્યાં સુધી સારું છે. જો તેઓ ત્રીજું નેત્ર ખોલશે તો આપ સહુ જાણો છો. એમ આદ્રી ખાતે બોલતાં રાજ્યનાં કેબિનેટ મંત્રી નીતિન પટેલે પઠાણકોટ હુમલાનાં સંદર્ભમાં ચીન અને પાકિસ્તાનને ધમકીભર્યા સુરમાં જણાવ્યું હતું.
અમે તો પહેલે થી જ કહીએ છીએ કે, કોંગ્રેસ પાટીદાર સમાજનો હથિયાર તરીકે વાપરીને રાજકારણમાં કોંગ્રસ ભુસાઇ જવાની સાથે મરણ પથારીએ પડી છે. તે ઊભી થવાનો પ્રયત્ન કરી રહી છે તેમ મંગળવારે ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ તાલુકામાં વિવિધ ખાતમુહુર્ત તથા લોકાર્પણ પ્રસંગે આવેલ રાજય સરકારના કેબીનેટ મંત્રી નીતિનભાઇ પટેલે જણાવેલ હતું. મંત્રી નિતીનભાઇ પટેલ વધુમાં જણાવેલ કે, પાટીદાર સમાજ જાગૃત અને શિક્ષિત હોવાની સાથે શાણપણથી નિર્ણય કરવા વાળો સમાજ છે.
આ સમાજ કોઇ દિવસ કોંગ્રસના આ કારસ્તાનમાં સહયોગ કરી શકે નહી અને શરૂઆતમાં યુવાનોએ કરેલી થોડીઘણી શરૂઆત અને પાછળ થી બધાને ખ્યાલ આવ્યો કે, આ આંદોલન ફકત રાજકીય હેતુથી અમારી પાસે કરાવડાવી રહેલ છે. અને કોંગ્રસને સતા લેવી છે એ પુરતો જ અમારો ઉપયોગ કરે છે એટલે હવે પાટીદાર સમાજના યુવાનો અને અગ્રણીઓ પણ આ આંદોલનમાંથી પાછા વળી રહેલ છે.
અમદાવાદ ખાતે આજની પાટીદારના સમર્થનમાં કોંગ્રસની રેલી અંગે મંત્રી નિતીનભાઇ પટેલે જણાવેલ કે , મને મીડીયા મારફત મળેલી જાણકારી મુજબ કોંગ્રેસની રેલી નિષ્ફળ ગઇ છે અને તેમાં 500લોકો પણ ઉપસ્થિત ન હતા. કોંગ્રસ રાજયમાં સરકારના કૃષિ મહોત્સવ, ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, શાળા પ્રવેશોત્સવ સહીતના સરકારી કાર્યક્રમો સામે નકારાત્મક ભુમિકા ભજવી રહી છે તેથી પ્રજા નારાજ છે અને કોંગ્રેસ એવુ ઈચ્છી રહી છે કે, રાજયના કોઇ પણ વર્ગને સરકારની યોજનાનો ફાયદો ન થાય તે રીતે ભુમિકા ભજવી કામ કરી રહેલ હોવાનો જણાવેલ હતું.
આજે આદ્રી ગામે રૂ. એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ કસ્તુરબા ગાંધી વિધાલય ના લોકાર્પણ સહીત સાડા ચાર કરોડના આઠ કામોના લોકાર્પણ તથા ખાતમુહુર્તનો કાર્યક્રમ કેબીનેટ મંત્રી નિતીનભાઇ પટેલ, રાજય મંત્રી જશાભાઇ બારડ, સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી , પુર્વ ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના સભ્ય રાજશીભાઇ જોટવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મણીબેન રાઠોડ, વેરાવળ પાલીકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, જીલ્લ ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર સહીતના અગ્રણીઓની ઉપસ્થિતમાં યોજાયેલ હતો. આ તકે રાજય મંત્રી જશાભાઇ બારડ તથા સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી સહીતના ઉપસ્થિત રહ્યાં હતા.
ખારવા સમાજે સન્માન કર્યું
ગામ વતી પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા તથા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનાં પટેલ પ્રભુદાસભાઇ કુહાડા, બોટ અેસો. ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, સી. ફુડ એક્ષપોર્ટના પ્રમુખ લખમભાઇ ભેંસલા, નગરપાલીકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, રામભાઇ વણીક સહીતના આગેવાનોએ મંત્રી નિતીન પટેલને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તથા કાર્યક્રમમાં આગેવાનો દ્વારા પણ કેબિનેટ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.