ગાંધીનગરગુજરાત

રાજ્યમાં લીલા દુકાળની શરૂઆત ? ખેતીને લાગ્યો કોહવાટ, રાજ્યમાં સરેરાશ 15થી 17 ટકા નુક્સાનીના અહેવાલો

ગાંધીનગર :

રાજ્યમાં 138 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું જણાવી કૃષિ મંત્રી આરસી ફળદુએ રાજ્ય પર ઈશ્વરની મહેર થઈ હોવાનું મંતવ્ય આપ્યું છે. જો કે સાથે જ ફળદુએ વધુ વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા વ્યક્ત કરી હતી, અને આ અંગે ચાર જેટલી વીમા કંપનીઓ દ્વારા કેટલાંક વિસ્તારમાં સર્વે કરવામા આવી રહ્યો છે તેવી ચોખવટ કરી છે. વરસાદે રવી સિઝન માટે ઉજ્જવળ તક ઉભી કરવાની સાથે રાજ્યમાં 2 વર્ષ સુધી પાણી ન ખૂટે તેવી સ્થિતિ ઉભી કરી છે પણ ખરીફ ખેતીનો દાટ વળ્યો છે.

ખરીફ સિઝનમાં 85.87 લાખ હેક્ટરમાં વાવેતર
ખરીફ સિઝનમાં 85.87 લાખ હેક્ટરમાં થયેલા વાવેતર કારમે ઓણસાલ સારો મોલ આવશે તેવી સંભવાના હતી પણ સતત વરસેલા વરસાદે ખરીફ સિઝનની હાલત ખરાબ કરી દીધી છે. રાજ્યમાં સરેરાશ 15 થી 17 ટકા નુક્સાનીના અહેવાલો છે. ખરીફ પાકનો દાટ વાળેયો

સપ્ટેમ્બરનો વરસાદ બન્યો વિલન
ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વરસેલા વરસાદને પગલે 13 જિલ્લામાં 2.84 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો હોવાના સરકારી આંક હતા પણ સપ્ટેમ્બરમાં વરસાદે ખરીફ ખેતીની હાલત વધુ ખરાબ કરી દીધી છે.

મગ, તલના પાકનું રસાતાળ
સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળ પાકની છે. ગુજરાતમાં ટૂકાગાળાના વાવેતર થતા પાક કાપણીના સ્ટેજ પર હોવાથી આ પાકોમાં 25થી 30 ટકાની નુક્સાનીના અહેવાલ છે. જેમાં મગ અને તલના પાકનો સમાવેશ થાય છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે, જેને પગલે ઊભો પાક બળી જવાની ભીતિ છે.

કપાસનું કટાણે મોત
કપાસમાં ખેડૂતોએ આ વર્ષે આગોતરી વાવણી કરી છે. જૂનમાં કપાસની વાવણી 14.35 લાખ હેક્ટરમાં હતી. જેમાં 50થી 60 ટકા કપાસમાં જિંડવા ફાટી ચૂક્યા છે ત્યાં રૂની ગુણવત્તા બગાડવાની સાથે ફૂલ ચાંપવા ગરી જતાં કપાસની સિઝન 20 દિવસ મોડી પડશે. રાજ્યમાં સતત ભેજવાળા વાતાવરણને પગલે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્વવ વધવાની સાથે કપાસના ઉત્પાદનને સીધી અસર પહોંચાડશે. તડકો ન પડતાં કપાસમાં ફલિનીકરણ ન થતાં પાકને અસર થશે.

મગફળીનો ઉભો પાક ઓસરી ગયો
જૂન સુધીમાં 9.90 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ હતી. હાલમાં ઉભડી મગફળીએ પાકવાની અવસ્થાએ છે. સરકારે આ મગફળી ન ઉપાડવા આપેલી સલાહ છતાં સતત વરસાદને પગલે આ મગફળીના દાણામાં ઉગાવો થવાની સંભાવના કૃષિ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યમાં એકથી દોઢ લાખ હેક્ટરમાં આ ઉભડી મગફળીના પાકને અસર પહોંચી છે. અર્ધવેલડી અને વેલડીના પાકની પણ ગુણવત્તા બગડી હોવાની સંભાવનાને નકારી શકાતી નથી. આગોતરી અને ઓળાની મગફળી પરિપક્વ અવસ્થાએ હશે તે તમામ પાકને નુક્સાની પહોંચવાની પૂરી શક્યતા છે.

મગ અડદ અનેના પાકમાં 25 ટકા નુકસાન
રાજ્યમાં સૌથી વધારે અસર ખરીફ કઠોળ પાકને થઈ છે. મગ અને અડદના પાકનો હાલમાં કાપણીનો સમય હતો પણ વરસી રહેલા વરસાદે આ પાકમાં 25 ટકાનું નુક્સાન પહોંચાડ્યું છે. રાજ્યમાં સરકારે આ પાકોના ઉત્પાદનના આંક 60 હજાર ટન અને 50 હજાર ટન મૂક્યા હતો જે હવે શક્ય નથી.

તલમાં 30થી 40 ટકા નુકસાની
તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી 1.16 લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં 30થી 40 ટકા નુકસાનીનો અંદાજ છે. કેળ, પપૈયા, લીંબુ સહિતના પાકોને અસર પહોંચી છે. બાજરીની ખરીફ સિઝનમાં 1.73 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક ઉગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે.

બાજરી, શાકભાજી અને ટામેટા- ડુંગળીને પણ લીલા દુકાળનું ગ્રહણ
રાજ્યમાં બાજરીના પાકમાં 10થી 15 ટકા નુક્સાની થઈ શકે છે. શાકભાજી પાકોમાં આ વરસાદે ભારે અસર કરી છે. ટામેટાં અને ડુંગળીની ઊંચા ભાવો એ લીલા દુકાળને જ આભારી છે.

કયાં ક્યાં થઈ છે લીલા દુકાળની અસર
પોરબંદર, ગીર સોમનાથ જૂનાગઢ, દ્રારકા, જામનગર, રાજકોટ, અમરેલીમાં ખેડૂતોને માંડવી રોવડાવી રહી છે તો વળી છોટા ઉદેપુર, ભરુચ, અરવલ્લિમાં પણ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x