ગાંધીનગર

માણસા ખાતે નવલી નવરાત્રિ જામી રહી છે.

ગાંધીનગર :

રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ, નિજીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃતતત્ત્વ અને સંજીવની છે. ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને પવિત્રતા જળવી રાખી છે. તહેવારો પાછળનો મૂળ આશય, હેતુ કે કારણ વિસરાઈ ન જાય, પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે.

ગાંધીનગર જીલ્લાના માણસા નગરમાં પણ નવ રાત્રિઓ ગરબાની રમઝટ જામે છે, થનગનતા ખેલૈયાઓ, ચંચળ-નિખાલસ ભૂલકાંઓ અને ઉત્સાહી નવયુવતીઓ વિવિધ વેશભૂષામાં સુસજ્જ થઈ ગરબે ઘૂમી રહ્યાં છે. માણસા નગરની સૌથી જૂની-જાણીતી ઠચરાજનગર સોસાયટી, માધવપાર્ક સોસાયટી, તિરુપતિ સોસાયટી, અંબિકા સોસાયટી, કચ્છ કડવા પાટીદાર સોસાયટી સહિત તમામ સોસાયટીમાં પણ રંગેચંગે ઉજવણી થઈ રહી છે.


આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે. નવરાત્રી મુખ્યત્વે માઁ ની આરાધનાનો તહેવાર છે. નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. દર વરસે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી નવ દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. આ નવરાત્રી પર્વ એટલે આદ્યશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ, શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીના આ લોક પ્રિય મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે. ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. ગરબાની રમઝટ, આરતી શણગાર, વેશભૂષા રજૂ થાય છે. માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે. નવરાત્રીની નવે નવ રાત્રીએ નાનાં મોટાં નાનાં ભૂલકાંઓ સહીત સૌ રંગ બેરંગી ગરબા માટેનો ખાસ અલાયદો પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં જે ઉત્સાહ અને ઉમંગથી ગરબા ગાય છે એ મનોરમ્ય ચિત્ર જોવું એ એક લ્હાવો બની જાય છે . ઉત્સાહનો જાણે મહા સાગર ઉમટે છે. ગરબાના યુવાન ખેલૈયાઓને બોલિવૂડનાં ગીતો પર તેમના સ્ટેપ અને દાંડીયા સાથે ઝૂમતાં જોવા એ હવે સામાન્ય વાત છે.


માણસા નગરની સૌથી જૂની-જાણીતી અને ઐતિહાસિક સોસાયટી ઠચરાજ સોસાયટીના પુનિત પાવન પટાંગણમાં સોસાયટીના રહીશો નવેનવ દિવસ મન મૂકીને માતાજીના પ્રાચીન-અર્વાચીન ગરબા ગાઈ રહ્યાં છે. નવ દિવસની નવરાત્રિ અને દશેરાના દિવસે પણ સૌ સાથે મળીને માતાજીની આરાધના કરી રહ્યા છે. રાત્રે નાસ્તા સાથે સૌ હળીમળીને મહોત્સવ ઉજવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x