નિત્યાનંદ આશ્રમ કેસ : પોલીસે FIR દાખલ કરી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી થશે : ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદ :
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહિ. કેસની ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગૃહ મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIR માં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે.
તેમણે ઉમેર્યું કે, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે આ ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લાના એસ.પી.ના સુપરવીઝન હેઠળ ડી.વાય.એસ.પી. શ્રી કે.ટી. કામરીયા ચલાવી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. તપાસ અધિકારીની મદદ સારૂ બે ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે સંદર્ભે પણ સાયબર સેલની મદદ લઇને તપાસને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તપાસ દરમ્યાન મળેલ વિગતો અને પુરાવાઓને ધ્યાને લઇને કસૂરવારો સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન જે પણ વિગતો બહાર આવશે. તેના આધારે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, નિત્યાનંદ આશ્રમ સંદર્ભે બાળકોના પિતા શ્રી જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં તેમની એક દિકરીને શોધી આપવા હેબીયસ કોર્પસ પીટીશન દાખલ કરી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હીરાપુર અમદાવાદ ખાતે બાળકોના પિતા શ્રી જનાર્દન શર્મા અને આશ્રમ સંચાલકો વચ્ચે પોતાના બાળકોને આશ્રમમાંથી ઘરે પરત લઇ જવા અંગે ઘર્ષણ થયું હતું અને તે સંદર્ભે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી.