મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એન.સી.પી. શિવસેનાની ત્રણ પક્ષની સંયુક્ત સરકાર વહેલી તકે રચાવાની શક્યતાઃ શિવસેના
મુંબઈ :
મહારાષ્ટ્રમાં સરકાર રચવા સર્જાયેલી સસ્પેન્સ બાદ ૨૭માં દિવસે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ શિવસેના સાથે ગઠબંધન કરવાની લીલીઝંડી બતાવતા ટૂંક સમયમાં શિવસેના-એન.સી.પી.- કોંગ્રેસની સંયુક્ત મહાશિવ આઘાડી સરકાર રચવાનો માર્ગ ખુલ્લો થયો છે. મહારાષ્ટ્રમાં મહા શિવ આઘાડીની સરકરાના મુખ્ય પ્રધાન પદે શિવસેના પક્ષ પ્રમુખ ઊધ્ધવ ઠાકરે હશે એવો મત શિવસેનાના નેતા સંજય રાઉતે વ્યક્ત કર્યો હતો.
જો કે દિલ્હીમાં એન.સી.પી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. એમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરાયેલા ડ્રાફટ પર ઝીણવટભરી ચર્ચા કરવા માં આવી હતી. તેના પર બન્ને કોંગ્રેસના નેતાઓ એકમતે થયા હતા.
છતાં હજી અનેક ચર્ચા અધૂરી રહેતા આવતીકાલ સુધીમાં તે પૂર્ણ થશે ત્યારબાદ સરકાર રચવાનો અતિંમ નિર્ણય કરાશે, એમ કહીને કોંગ્રેસ નેતા તથા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પત્રકાર સમક્ષ ઉમેર્યું હતું કે અત્યારે સકારાત્મક ચર્ચા હોવાથી આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પર્યાપ્ત સ્થિર સરકાર તેમજ લોકાભિમુખ મહાશિવ આઘાડી સરકાર રચાશે. શિવસેના-કોંગ્રેસ-એન.સી.પી. એમ ત્રણ પક્ષ એક સાથે આવ્યા સિવાય મહારાષ્ટ્રમાં સરકાર રચી શકાશે નહિં આથી રાજ્યમાં ટૂંક સમયમાં પર્યાપ્ત સરકાર બનશે, એવું એન.સી.પી.ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું.
મહાશિવ આઘાડી સરકાર રચવા તૈયાર કરાયેસી ફોર્મ્યુલામાં શિવસેનાને મુખ્યપ્રધાન પદ સહિત ૧૬ પ્રધાન પદ, એન.સી.પી.ને ૧૫ પ્રધાન પદ તેમજ કોંગ્રેસને ૧૨ પ્રધાનપદ મળી શકે છે અને નાયબ મુખ્ય પ્રધાન એન.સી.પી. અને કોંગ્રેસને અપાશે.
દરમિયાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ગેરભાજપ સરકાર સ્થાપાશે એવી માહિતી કોંગ્રેસના સૂત્રોએ આપી હતી. પણ શિવસેના જાતીય એજન્ડા પર વળગી રહેશે તો કોંગ્રેસ સરકારમાંથી બહાર પડશે એવું પણ કહેવાય છે.
બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે આગામી બે કે ત્રણ દિવસમાં શિવસેના કોંગ્રેસ-એન.સી.પી.ના ગઠબંધનની મહાશિવ આઘાડી સરકાર રચવા પર ત્રણેય પક્ષ એક સાથે સિક્કો મારશે. ત્યારબાદ આવશ્યક સરકાર રચવાની પ્રક્રિયા હાથ ધરાશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ બનશે એવો પ્રશ્ન પૂછતાં શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે બનશે અવો મત સંજય રાઉતે વ્યક્ત કર્યો હતો.

