નિત્યાનંદ આશ્રમની પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા બન્ને આરોપી સંચાલિકાઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર
અમદાવાદ :
બાળકોને બંધક બનાવી બાળમજૂરી કરાવવાના કેસમાં નિત્યાનંદ આશ્રમની આરોપી સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને આજે પોલીસે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. પોલીસની રજૂઆત છે કે બન્ને આરોપીઓ તપાસમાં સહયોગ આપી રહી નથી અને આશ્રમમાંથી પરત આવેલા બાળકોના નિવેદન પ્રમાણે આશ્રમમાં ચાલતી ઘણી ગતિવિધિઓ અંગે જાણકારી મેળવવા તેમના પોલીસ રિમાન્ડ જરૂરી છે. પોલીસે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂઆત છે કે મહિલા આરોપીઓ પ્રાણપ્રિયા ઉર્ફે પ્રાણપ્રિયાનંદા ઉર્ફે હરિણી ચેલ્લાપ્પન તેમજ પ્રિયાતત્વા ઉર્ફે પ્રિયાતત્વાનંદા ઉર્ફે રિદ્ધી રવિકિરણની ૨૦મી તારીખે ધરપકડ કરવામાં આવી છે. બાળકોને બંધક બનાવવાના , તેમને માર મારવાના અને બાળમજૂરી કરાવવાના ગુના હેઠળ તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બન્ને આરોપી પોલીસ તપાસમાં સહકાર ન આપી રહી હોવાથી તેમની વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની જરૂરી છે.આ ગુરૂકુળમાં કેટલા વ્યક્તિઓ અને બાળકો હાજર છે અને તેની કામગીરી શું છે તે જાણવું જરૂરી છે. પરત આવનારી સગીરા કલ્પલતાનો મોબાઇલ અને તથા લેપટોપ બન્ને આરોપીએ લઇ લીધા છે. તેથી આ બન્ને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરી તેની તપાસ કરવી જરૂરી છે. સંચાલિકાઓ આ કૃત્ય કોની સૂચનાથી કરતી હતી તે જાણવું જરૂરી છે.
અહીં રહેતા બાળકોને પાયાનું શિક્ષણ તેમજ રહેવાની વ્યવસ્થા કેવી રીતે અપાતી હતી તે અંગે કોઇ આરોપી પ્રાણપ્રિયા કશું જણાવી રહી નથી. માતા-પિતા પાસે પરત આવેલા બન્ને બાળકોએ પોલીસ અને બાળ કલ્યાણ આયોગ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે કે તેમને બાળમજૂરી કરાવવામાં આવતી હતી. દાનરૂપે પૈસા અને મોટા ક્લાયન્ટ પાસેથી જમીનનું દાન લઇ આવવાનું કામ તેમને સોંપવામાં આ વતું હતું.
કેટલાંક બાળકોએ ભૂતકાળમાં મોટી રકમનું દાન પણ મેળવી આપ્યું છે. કયા બાળક દ્વારા, કયા ક્લાયન્ટ પાસેથી અને કેટલી રકમનું દાન મેળવવામાં આવ્યું છે તે જાણવા બન્ને આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી છે. આ ઉપરાંત બાળકોનું નિવેદન છે કે તેમની બંધક બનાવાયેલી બહેન નિત્યનંદિતાને મજબૂર કરી તેના માતા-પિતા સામે નિવેદનો આપતો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
બન્ને આરોપીઓ એવું જણાવી રહી છે કે આધ્યાત્મિક સારવાર માટે બાળકોને રૂમમાં બંધક બનાવાયા હતા. કયા પ્રકારની આધ્યાત્મિક સારવાર માટે બાળકોને બંધક બનાવાવ જરૂરી છે તેનો સવાલ આરોપીઓ પાસેથી મળ્યો નથી. બાળકોનું નિવેદન છે કે આશ્રમને લાખો-કરોડોનું દાન મળતું રહે છે. કોના તરફથી કેટલી રકમનું દાન અત્યાર સુધીમાં મળેલું છે અને આ રકમ હાલ કોની પાસે છે તે વિશે આરોપીઓ માહિતી આપી રહ્યા નથી.