અમેરિકાની ટ્રમ્પ સરકાર સુરક્ષા માટે ભારતને 7200 કરોડમાં નેવી તોપ વેચશે
વોશિંગ્ટન :
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે થયેલી એક અબડ ડોલર એટલે કે આશરે ૭૨૦૦ કરોડની ડીલને મંજૂરી આપી દીધી છે. આ ડીલમાં નેવીની ક્ષમતા વધારનારી અત્યાધુનિક નેવલ ગનશિપ, એંટી એરક્રાફ્ટ અને બોમ્બમારો કરનારા ઉપકરણો પણ સામેલ છે.
અમેરિકાની સુરક્ષા સહિયોગ એજન્સીએ પોતાની યાદીમાં જણાવ્યું છે કે ૧૩એમકે-૪૫ ૫ ઇંચ/૬૨ કેલિબર (એમઓડી-૪) નેવીની ગન અને તેને સંલગ્ન બીજા ઉપકરણો આ ડીલમાં સામેલ છે. આ ડીલમાં આશરે ૭૨૦૦ કરોડ રૂપિયાની માનવામાં આવે છે જે હાલમાં ભારત દ્વારા થયેલા સોદામાં સૌથી મોટી માનવામાં આવે છે. રશિયા પાસેથી ભારત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહ્યું છે આવી સ્થિતિમાં અમેરિકાએ પણ ભારત સાથેની હથિયારોની આ ડીલને મંજૂરી આપી દીધી છે.
આ ડીલને મંજૂરી સાથે જ ભારત એવા કેટલાક દેશોમાં સામેલ થઇ ગયો છે કે જેની પાસે નેવીમાં ઉપયોગમાં લેવામાં આવતી મોડ-૪ તોપો હોય. અત્યાર સુધીમાં આ પ્રકારની તોપો જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ પાસે જ છે. અમેરિકા દ્વારા આ વિશેષ નેવી તોપ તૈયાર કરવામાં આવે છે જે અતી આધુનિક માનવામાં આવે છે અને સમુદ્રમાં દુશ્મન દેશોને જવાબ આપવા માટે સક્ષમ મનાય છે. અમેરિકા અને ભારત વચ્ચે આ ડીલ એવા સમયે થઇ રહી છે જ્યારે પાકિસ્તાન સાથે ભારતની તકરાર ચાલી રહી છે.
પાકિસ્તાન અનેક વખત સમુદ્રી માર્ગેથી પણ હુમલા કરવાનો પ્રયાસ કરી ચુક્યું છે. આવી સ્થિતિમાં આ વિશેષ નેવી તોપ ભારત માટે વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. આ એમકે-૪૫ ગન સિસ્ટમ સંરક્ષણમાં પણ મદદરુપ થશે. આ જ સીરીઝમાં અન્ય કેટલીક મહત્વપૂર્ણ તોપ પણ અમેરિકા ભારતને આપવા જઇ રહ્યું છે, જેને પગલે નેવીની તાકાતમાં વધારો થશે. હાલ ચીન દ્વારા પણ સમુદ્રી માર્ગેથી અનેક વખત ઘુસણખોરીના પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે આવી સ્થિતિમાં અમેરિકાની આ ગન ભારત માટે સમુદ્રમાં સુરક્ષા કવચ સાબીત થઇ શકે છે.