કાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામોની યાદી લઈ જે.પી.નડ્ડા અમિત શાહને યાદી આપશે
અમદાવાદ :
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને રાજયસભાના સભ્ય જયપ્રકાશ નડ્ડા (જે.પી.નડ્ડા) આવતીકાલે શનિવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત મુખ્ય આગેવાનો દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવશે.
કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ‘‘યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા–2019’’ નું સવારે 10.30 વાગે ઉદ્ઘાટન કરીને માર્ગદર્શન આપશે. તેમની સાથે આ યુથ પાર્લામેન્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂ.બ્રહ્મવિહારી સ્વામી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ યુથ પાર્લામેન્ટનું સંકલન ભાજપા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ કરી રહ્યાં છે એવું ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા સેનાના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાનમાં ભાજપના સૂત્રો જણાવી શકે ભાજપના આ બંને કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ નામના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના ટોચના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે. આ ચર્ચા બાદ પ્રદેશના નેતાઓ 4 થી 5 નામ આપશે પ્રદેશના સંભવિત ઉમેદવારોની યાદી લઇને બન્ને નેતાઓ દિલ્હી જશે. જ્યાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આ યાદી આપશે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોઈ એક નામ પર મંજૂરીની મહોર લગાવશે.