શહેરમાં શોપિંગ અને ઓસિયા મોલ દ્વારા ભોયરામાં કરાયેલા ગેરકાયદે બાંધકામો- દબાણો રોકવામાં તંત્ર નિષ્ફળ
ગાંધીનગર :
ગાંધીનગર રાજયનું પાટનગર હોવા છતાં અહીં જ ટાઉન પ્લાનીંગના નિયમોનું પાલન કરાવવામાં તંત્ર સંપુર્ણ નિષ્ફળ નીવડી રહયું છે ત્યારે રાજયના અન્ય શહેરોમાં શું હાલત હશે તે વિચારવું જ રહયુ. પાટનગરની રચના સમયે રહેણાંક અને વાણિજ્ય વિસ્તાર માટે નિયમો બનાવાયા હતાં. તંત્ર દ્વારા સેકટર 21 જેવાં વાણિજ્ય વિસ્તારમાં શોપિંગ સેન્ટરો ઉભા કરાયા હતા. આવાં શોપિંગ સેન્ટરોમાં આગળ દુકાન પાછળ તેનુ વાહન પાર્કિંગ અને ઉપર તેને રહેવા માટે જગ્યા પણ ફાળવવામાં આવી હતી. અને આવી જગ્યાઓ શરતોને આધિન રાહત દરે ફાળવવામાં આવી હતી. તેમજ નગરજનોને મનોરંજન મળી રહે તેવા હેતુથી શહેરમાં સિનેમા ઘર બનાવવા માટે પણ રાહત દરે પ્લોટની ફાળવણી કરવામા આવી હતી. પાટનગરમાં સમય જતાંની સાથે વિવિધ તંત્રોએ આંખ આડા કાન કરવાનું શરૂ કરતાં આજે ગાંધીનગરની સ્થિતિ બદલાઈ ગઈ છે. સેકટર – 21 માં શોપિંગ અને આર-વર્લ્ડ કોમ્પ્લેક્ષના પાર્કિંગ તરીકે બતાવાયેલા એરીયા ભોયરાઓમા ગેરકાયદે દુકાનો, ગોડાઉનો, શો-રૂમ તેમજ મોટા મોલ ઉભા થઇ ગયા છે. બી. યુ. પરમિશન લીધા પછી બાંધકામમાં આટલા મોટા પ્રમાણ માં ફેરફાર કરી નખાય છતાં એક પણ બિલ્ડીંગની બી. યુ. પરમિશન રદ કરવાની તસ્દી પણ તંત્રએ લીધી નથી. ત્યારે હવે કોર્પોરેશન કોમર્સીયલ વિસ્તારમાં આવા ગેરકાયદે દબાણ મામલે આગળ વધી રહયું હોવાનું જાણવા મળી રહયું છે. ગયા વર્ષે મોટા ઉપાડે કોર્પોરેશને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરવાનું બીડું ઝડપ્યું હતુ પરંતુ એક મહિનો ચાલેલી ઝુંબેશ બાદ તે પરીસ્થિતી ઠેર ની ઠેર થઇ જવા પામી હતી.
પાટનગરમાં કોઈપણ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરાયું હશે કે આવા પાર્કિંગનો અન્ય હેતુમાં વપરાશ કરવામાં આવતો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પાલિકાએ નિયમો ઘડેલા છે. જેના આધારે લાંબા સમયથી પાટનગરમાં આવા ગેરકાયદે બાંધકામો કે ગેરકાયદે પાર્કિંગમાં દૃબાણ કરીને તેનો અન્ય હેતુમાં ઉપયોગ કરાતો હોવાના કિસ્સાઓ માં મનપા દ્વારા અવાર નવાર સિલ પણ મરાયા હતા. મહાનગરપાલિકાની ઢીલી નિતીને કારણે લોકોને પણ મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. પોતાના જ નિયમોનુ પાલન કરવામાં પોતે જ ઉણુ ઉતર્યુ છે. અત્યાર સુધી કોર્પોરેશનમાં માત્ર કાગળ ઉપર જ નિયમો ઉભા કરવામાં આવ્યા છે. આવાં નિતી-નિયમોનો ભય હવે લોકોમાં રહ્યો નથી. ત્યારે ગાંધીનગર શહેરમાં ગેરકાયદે બાંધકામ અને શરતભંગ ના વધી રહેલા વ્યાપ વચ્ચે કોર્પોરેશન તંત્ર દ્વારા આ મામલે લાલ આંખ કરવી જોઇએ એવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે ફકત નોટિસ આપીને પાછલા બારણે વહિવટદારો મારફતે તોડપાણી કરી ને કોર્પોરેશન તંત્ર સંતોષ માને છે કે પછી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-૨૧ માં આવેલ આર-વર્લ્ડ બિલ્ડીંગના બેઝમેન્ટમાં ચાલી રહેલા ઓસિયા મોલને અવાર-નવાર સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ આ મોલના માલિકો દ્વારા કોર્પોરેશનના પદૃાધિકારીઓના ઘુંટણીયે પડીને લોભ લાલચ આપીને આવું મારવામાં આવેલું સીલ તુરંત જ ખોલાવી દેવામાં આવે છે. શહેરમાં એવી ચર્ચાએ જોર પકડ્યુ છે. મનપા દ્વારા જ અવાર નવાર આ મોલને સીલ મારીને આ મોલ ગેરકાયદે હોવાનું જણાવાય રહૃયુ હતું. તો અવાર નવાર ગેરકાયદે મોલને સીલ માર્યા બાદૃ થોડા સમય બાદ ખોલી દેવાતા અનેક શંકાઓ નગરજનોમાં ઉભી થયેલી જોવા મળે છે.
ઓસિયા હાઈપર સીટી માર્ટ જે બેઝમેન્ટમાં ચલાવવામાં આવી રહ્યુ છે. તો આ જગ્યા માટે જે તે સમયે ખાસ કિસ્સામાં માત્ર સ્ટોરની જ પરવાનગી લેવાઈ હોવાની વિગતો હતી. આથી આ જગ્યામાં મોલ ચલાવી શકાય નહી. તેવું કોર્પોરેશન દ્વારા કહેવાતું હતું. આ બિલ્ડીંગમાં મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટર આ બંન્ને આવેલ હોય. બન્ને માટે પાર્કિંગની સુવિધા જોઈએ એટલી દેખાતી નથી. આ પાર્કિંગની સુવિધા ન હોવાથી અહીં આવતા નગરજનોને પોતાનું વાહન પાર્કિંગ કરવા હાડમારીનો સામનો કરવો પડે છે. અને બહાર રસ્તામાં જ પાર્ક કરવા મજબુર બને છે. આ રસ્તામાં પણ આ બિલ્ડિંગનાં બિલ્ડર દ્વારા ફૂટપાથ ની જગ્યાને પોતાના પાર્કિંગ તરીકે બિલ્ડીંગની માલિકીની હોય તેમ દબાણ કરીને પાકુ ફ્લોરીંગ પણ કરી દેવાયુ હોવાનુ સામે આવ્યુ છે. આ બિલ્ડીંગમાં પાર્કિંગ સુવિધામાં બેઝમેન્ટ-૨નો જે પાર્કિંગ એરિયા છે. તો ખૂબજ ઓછો છે તેમજ આ પાર્કિંગમાં ગોડાઉનની જેમ વધારાનો માલસામાન પણ મોલ દ્વારા રાખવામાં આવી રહૃયો હોવાનું દેખાઈ આવે છે. જો પુરેપુરી એફએસઆઈ વાપરવી હોય તો આ બિલ્ડીંગમાં આવેલા બન્ને બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવી પડે પરંતુ જે તો સમયે બેઝમેન્ટ-૧માં ખાસ કિસ્સામાં સ્ટોર માટેની મંજુરી લેવામાં આવી અને હવે આ જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી ઓસિયા મોલ ચલાવવામાં આવી રહૃયો છે. આવાં ગેરકાયદે ચાલતા મોલને બિલ્ડીંગના નકશા અને ફાયરના નિયમો મુજબ ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી. પણ આપી શકાય નહી. આથી એન.ઓ.સી. વગર શોભાના ગાંઠીયા સમાન ફાયરના સાધનો લગાવી દેવાયા હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ઓસીયા મોલ અવાર નવાર સીલ માર્યા પછી જો સીલ ખોલાવી દેવાતુ હોય કે ગેરકાયદે તોડી નાખ્યું હોય તો મનપા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ? આવા અનેક સવાલો નગરજનોના મનમાં ઉભા થઈ રહૃયા છે.